નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થયેલી હાર બાદ ભાજપમાં આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે. હારના મનોમંથન કાર્યક્રમ દરમિયાન આપેલા ભાષણનો મનસુખ વસાવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં તેમણે જિલ્લા સંગઠન અને કેટલાક પદાધિકારીઓ સામે કડક શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી હતી.
સાંસદે જિલ્લા સંગઠન પ્રભારી અર્જુન ચૌધરી અંગે ટિપ્પણી કરતા કહ્યું કે તેઓ “કઠપૂતળી જેવા” બની ગયા છે અને નબળી બેઠકો પર મજબૂત કામગીરી થવી જોઈતી હતી. તેમણે જણાવ્યું કે ચૂંટણી જીતવા માટે મેદાનમાં ઉતરી લોકો વચ્ચે કામ કરવાની જરૂર છે. ભાષણ દરમિયાન જિલ્લા પ્રમુખ નિલ રાવ અને જિલ્લા મહામંત્રી ભોલો પર પણ નિશાન સાધવામાં આવ્યું. 
વસાવાએ આક્ષેપ કર્યો કે નેતાઓ કાર્યાલયમાં બેસી રહે છે અને લોકોના પ્રશ્નો સાંભળવા માટે મેદાનમાં જતાં નથી. તેમણે કહ્યું કે તાલુકા અને જિલ્લા પંચાયત જીતવા માટે કાર્યકરો વચ્ચે જવું જરૂરી છે.સાંસદે વધુમાં કેટલાક નેતાઓ પર વિરોધી તત્વો સાથે સાંઠગાંઠ હોવાનો સંકેત આપ્યો અને જણાવ્યું કે “ચૈતર એન્ડ કંપની” સામે લડવાની ક્ષમતા ન હોય તો પદ છોડવું જોઈએ. સાથે જ તેમણે 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને અત્યારથી જ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો.
વિડિયો વાયરલ થયા બાદ જિલ્લા સંગઠન પ્રભારી અર્જુન ચૌધરીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે તેમને મનોમંથન બેઠકમાં બોલાવવામાં આવ્યા નહોતાં, જે દુઃખની બાબત છે. તેમણે કહ્યું કે “સાંસદ મનસુખ વસાવા અમારા વડીલ છે, પરંતુ અમારી સામે કરવામાં આવેલા કેટલાક આક્ષેપો ખોટા છે.”અર્જુન ચૌધરીએ વધુમાં જણાવ્યું કે તેમને ચૂંટણીના માત્ર પાંચ દિવસ પહેલાં જ જિલ્લા પ્રભારી બનાવવામાં આવ્યા હતા, છતાં તેઓ સંગઠન સાથે મળી પરિસ્થિતિ સુધારવાનો પ્રયાસ કરશે.