ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં ધોધમાર વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે પાલિકા પ્રમુખે સ્થળ નિરીક્ષણ કરી જરૂતિ સૂચનો કર્યા હતા.
ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં વરસેલા ધોધમાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં આમોદ નગરપાલિકાના પ્રમુખ સાજીદ રાણા તથા કારોબારી સમિતિના ચેરમેન ઉમેશ પંડ્યાએ વિવિધ વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે પાણી ભરાવાની સ્થિતિનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી.
આ સાથે જ વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે કરવામાં આવતી કામગીરીની સમીક્ષા પણ કરી હતી. આમોદ નગરપાલિકા પ્રમુખ સાજીદ રાણાએ નગરજનોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, વરસાદી ઋતુ દરમિયાન રસ્તાઓ પર કચરો ન ફેંકવો તેમજ ગંદકી ન ફેલાવવી, જેથી ગટર અને વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઊભો ન થાય અને પાણી ભરાવાની સમસ્યામાં ઘટાડો થઈ શકે છે.
