મોરબીના જેતપરમાં છેલ્લા ઘણા દિવસોથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. હવે આ ખેડૂત આંદોલનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે.  રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા પત્રકાર પરિષદ સંબોધન કરી મોટી જાહેરાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, જંત્રી આધારિત નહીં પરંતુ જમીનના બજાર ભાવ પર વળતર ચૂકવવામાં આવશે. જમીનની વાસ્તવિક બજાર કિંમત નક્કી કરવા માટે વિશેષ સમિતિ બનાવવાનો પણ નિર્ણય કર્યો છે. આ સમિતિમાં જિલ્લા કલેક્ટર, અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિઓ તેમજ સંબંધિત કંપનીના પ્રતિનિધિઓને સ્થાન આપવામાં આવશે. સમિતિ દ્વારા નક્કી કરાયેલા બજારભાવના આધારે વળતરની રકમ નક્કી કરવામાં આવશે.

કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે,  સરકાર ખેડૂતોની ચિંતાઓ પ્રત્યે સંપૂર્ણ સંવેદનશીલ છે. છેલ્લા 12 દિવસથી મેરેથોન બેઠકો યોજાઈ હતી, જેમાં દરેક મુદ્દા પર વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી. નિર્ણયની લાંબા ગાળાની અસર અને ખેડૂતોને મળનારા લાભોને ધ્યાનમાં રાખીને નવી નીતિને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.

કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી વધુ વિગતો આપતા જણાવ્યું કે જમીનની બજાર કિંમત નક્કી કરવા માટે MRC બનાવવાની જાહેકાત કરવામાં આવી છે. વીજ લાઈન નખાતા વળતર એક જ હપ્તામાં ચૂકવાશે. જમીનમાં જ્યાં ટાવર લાગશે ત્યાં વધુ 1 મીટરનું વળતર ચૂકવવામાં આવશે. ખેડૂતોની માંગણીને સરકાર સંતોષી છે. 

ટાવર બેઝ એરિયા પર વધારવામાં આવ્યો

જમીનનો ભાવ હવે DLVC નહીં પરંતુ MRC નક્કી કરશે. ખેતરમાં વીજ ટાવર નાખવાની કામગીરીમાં વળતરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વીજળીના થાંભલાનો ટાવર બેઝ એરિયા પર વધારવામાં આવ્યો છે. ટાવર બેઝ એરિયામાં 2.38 લાખ મળવાના હતા પરંતુ હવે ખેડૂતોને ટાવર બેઝ એરિયામાં 18 લાખ જેટલી રકમ મળશે. 

સરકારે વીજટાવરથી અસરગ્રસ્ત ખેડૂતો માટે પણ મહત્વનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી ટાવરના પાયા માટે જ વળતર ચૂકવવામાં આવતું હતું.  હવે ટાવરના દરેક પાયાની ચારેય બાજુ વધારાના એક મીટર સુધીના વિસ્તારમાં પણ વળતર ચૂકવવામાં આવશે.

રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે,  રાજ્યમાં ખેતીની જમીનની બજાર કિંમત અન્ય રાજ્યોની સરખામણીએ ઊંચી હોવાથી આ નિર્ણયનો સીધો અને સૌથી વધુ લાભ ગુજરાતના ખેડૂતોને મળશે.