નવજીવન વિદ્યાલય ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું
મહારાજા છત્રપતિ શિવાજી વસ્તુસંગ્રહાલય-મુંબઈનો સહયોગ
વિદ્યાર્થીઓ માટે ‘મ્યુઝિયમ ઓન વ્હીલ્સ’ સુંદર કાર્યક્રમ યોજાયો
સિંધુ ખીણની સંસ્કૃતિને કેન્દ્રમાં રાખીને પ્રતિકૃતિઓ રજૂ કરાય
પુરાતત્વીય સમૃદ્ધિથી વિદ્યાર્થીઓને પરિચિત કરવાનો મુખ્ય હેતુ
ભરૂચની નવજીવન વિદ્યાલય ખાતે મુંબઈના મહારાજા છત્રપતિ શિવાજી વસ્તુસંગ્રહાલય (CSMVS) દ્વારા વિદ્યાર્થીઓ માટે ‘મ્યુઝિયમ ઓન વ્હીલ્સ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતના પ્રાચીન ઇતિહાસ, સાંસ્કૃતિક વારસા અને પુરાતત્વીય સમૃદ્ધિથી વિદ્યાર્થીઓને પરિચિત કરવાના મુખ્ય હેતુથી ભરૂચની નવજીવન વિદ્યાલય ખાતે મુંબઈના મહારાજા છત્રપતિ શિવાજી વસ્તુસંગ્રહાલય (CSMVS) દ્વારા ‘મ્યુઝિયમ ઓન વ્હીલ્સ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં INTACH ભરૂચ ચેપ્ટરે સહયોગી સંસ્થા તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. INTACH ભરૂચ ચેપ્ટરના ડૉ. વંદના સેથીએ વિદ્યાર્થીઓને ભરૂચના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસા અંગે માહિતગાર કર્યા હતા. તેઓએ ભરૂચના પ્રાચીન ઇતિહાસને સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે સાંકળીને ભારતની ગૌરવશાળી પરંપરા અને તેના ઐતિહાસિક મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.
મહારાજા છત્રપતિ શિવાજી વસ્તુ સંગ્રહાલયના પ્રતિનિધિ ગૌરવ જાધવ અને ઋતુજા કાલેએ ‘મ્યુઝિયમ ઓન વ્હીલ્સ’ની સંકલ્પના સમજાવતા જણાવ્યું હતું કે, દેશભરના વિદ્યાર્થીઓ સુધી સંગ્રહાલયમાં રહેલા અમૂલ્ય વારસાને પહોંચાડવાનો આ અનોખો પ્રયાસ છે. મોબાઇલ મ્યુઝિયમમાં સિંધુ ખીણની સંસ્કૃતિને કેન્દ્રમાં રાખી વિવિધ પ્રતિકૃતિઓ, માહિતી ચિત્રો, ડિજિટલ પ્રદર્શન અને ઐતિહાસિક વિગતો રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક સમગ્ર પ્રદર્શન નિહાળી પ્રાચીન નગર આયોજન, જીવનશૈલી, કલા, હસ્તકલા તેમજ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. આ પ્રસંગે નવજીવન વિદ્યાલયના સંચાલન, શિક્ષકો તથા INTACH ભરૂચ ચેપ્ટરના સભ્યો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
