ચોમાસા દરમિયાન સંભવિત પૂર જેવી આપત્તિમાં ઝડપી અને અસરકારક બચાવ કામગીરી માટે ભરૂચ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા હાંસોટ તાલુકાના ઓભા ગામે મોકડ્રીલ યોજાઈ હતી.

મોકડ્રીલ દરમિયાન અતિભારે વરસાદને કારણે નદીમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હોવાનું દૃશ્ય ઊભું કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નદી કિનારે કામ કરી રહેલા કેટલાક લોકો પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગયા હોવાની કલ્પિત ઘટના સર્જવામાં આવી હતી.

સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને બે લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.સમગ્ર મોકડ્રીલ દરમિયાન હાંસોટના મામલતદાર મકવાણાએ સ્થળ પર હાજર રહી કામગીરીનું માર્ગદર્શન આપ્યું હતું. મોકડ્રીલ પૂર્ણ થયા બાદ કામગીરીની સમીક્ષા કરીને સંબંધિત વિભાગોને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.