AMCનું સ્માર્ટ પાર્કિંગ મોડેલ

102 પ્લોટ્સમાં પાર્કિંગ માટેનો નિર્ણય

કોમર્શિયલ વિસ્તારોમાં પાર્કિંગની સમસ્યા હલ

કોર્પોરેશનને 2.62 કરોડ રૂપિયાથી વધુની આવક

ટ્રાફિક વ્યવસ્થામાં આવ્યો સુધારો  

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાલી સરકારી પ્લોટ્સનો ઉપયોગ કરીને શરૂ કરાયેલું ‘સ્માર્ટ પાર્કિંગ મોડેલ’ નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે.AMCએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પોતાના 102 ખુલ્લા પ્લોટ્સને આયોજનબદ્ધ રીતે પાર્કિંગ માટે ફાળવવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાલી સરકારી પ્લોટ્સનો ઉપયોગ કરીને શરૂ કરાયેલું ‘સ્માર્ટ પાર્કિંગ મોડેલ’ નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. ખાસ કરીને પશ્ચિમ વિસ્તારના સરખેજ, જોધપુર, મકરબા અને પ્રહલાદનગર જેવા કોમર્શિયલ વિસ્તારોમાં પાર્કિંગની મોટી સમસ્યા હતી. મોટાભાગના કોમ્પ્લેક્સમાં પૂરતી જગ્યા ન હોવાથી વાહનચાલકોને ટોઈંગ અને ટ્રાફિક જામની હાડમારી વેઠવી પડતી હતી.AMCએ આ સમસ્યાના કાયમી ઉકેલ માટે પોતાના ખુલ્લા પ્લોટ્સ સમયબદ્ધ ધોરણે પાર્કિંગ માટે ફાળવી દીધા છે.

આ ખાલી પ્લોટ્સ નિર્ધારિત જંત્રી દરના આધારે વિવિધ સંસ્થાઓને ભાડે આપવામાં આવ્યા છે. આ આયોજનથી કોર્પોરેશનને 2 કરોડ 62 લાખ રૂપિયાથી વધુની આવક થઈ છે, જેમાં માત્ર સાઉથ વેસ્ટ ઝોનમાંથી જ આશરે 53 લાખ રૂપિયાની કમાણી થઈ છે. આગામી સમયમાં સી.જી. રોડ અને સાયન્સ સિટી રોડ પર પણ આવી જ સ્માર્ટ સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે.

સુદૃઢ આયોજનના કારણે શહેરમાં ટ્રાફિક મેનેજમેન્ટ અને ઈમરજન્સી સેવાઓમાં મોટો સુધારો જોવા મળ્યો છે. સરકારી આંકડા મુજબ, જાન્યુઆરી 2024માં 108 એમ્બ્યુલન્સનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ 10 મિનિટ 02 સેકન્ડ હતો, જે જાન્યુઆરી 2026માં ઘટીને માત્ર 8 મિનિટ 8 સેકન્ડ થઈ ગયો છે. આમ, ખાલી પ્લોટ્સનો આ સ્માર્ટ ઉપયોગ શહેરની ટ્રાફિક વ્યવસ્થા સુધારવામાં અત્યંત મદદરૂપ બન્યો છે.