પૂરના પાણી ઓસર્યા બાદ જોવા મળી અનોખી માનવતા

ભંગાર વીણતા શ્રમિકે જીત્યા લોકોના દિલ

RTO ના ધક્કા અને દંડમાંથી બચાવતી અનોખી સેવા

RC બુક બતાવો અને નંબર પ્લેટ મફતમાં લઈ જાવ

ફૂટપાથ પર રહેતા ગૌતમભાઈએ જગાવી માનવતાની જ્યોત

સુરતમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરના પાણી ઓસર્યા બાદ માનવતા મહેકાવતો એક અદ્ભુત કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભંગાર વીણતા શ્રમિકે સૌના દિલ જીતી લીધા છે.  

સુરતમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરના પાણી ઓસર્યા બાદ માનવતા મહેકાવતો એક અદ્ભુત કિસ્સો સામે આવ્યો છે. સુરતના જહાંગીરપુરા બોટનિકલ ગાર્ડન પાસે ફૂટપાથ પર રહીને ભંગાર વીણવાનું કામ કરતા ગૌતમ દેવીપૂજકે પૂરના પાણીમાં વાહનોમાંથી તૂટીને તણાઈ ગયેલી 50થી વધુ નંબર પ્લેટો શોધીને સુરક્ષિત સાચવી રાખી છે.

સામાન્ય રીતે આર્થિક તંગી ભોગવતા લોકો આવી વસ્તુઓ ભંગારમાં વેચી દેતા હોય છે, પરંતુ ગૌતમભાઈએ આ નંબર પ્લેટોનો ઢગલો કરીને લોકોને RTOના મોંઘા દંડ અને ધક્કામાંથી બચાવવા માટે એક અનોખી સેવા શરૂ કરી છે. તેમણે વાહનચાલકો માટે નિયમ રાખ્યો છે કે, “ગાડીની અસલી RC બુક બતાવો અને તમારી નંબર પ્લેટ તદ્દન મફતમાં લઈ જાવ.” આ કીમિયો તેમણે એટલા માટે અપનાવ્યો છે જેથી કોઈ નંબર પ્લેટનો ખોટો દુરુપયોગ ન કરી શકે.

આ દરમિયાન વિવેક ભવાનીયા નામના એક જાગૃત યુવાને ગૌતમભાઈની આ પ્રશંસનીય કામગીરી જોઈ તેનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વિડીયો વાયરલ થતાં જ જે વાહનચાલકોની નંબર પ્લેટ પૂરના પાણીમાં ગુમ થઈ ગઈ હતી, તેઓ રાહતનો શ્વાસ લઈને જહાંગીરપુરા ખાતે પોતાની પ્લેટો લેવા પહોંચી ગયા હતા.

નવી નંબર પ્લેટ કઢાવવાની લાંબી કાયદાકીય પ્રક્રિયા અને સરકારી કચેરીઓના ધક્કામાંથી બચેલા વાહનચાલકોએ ફૂટપાથ પર રહેતા શ્રમિક ગૌતમભાઈની આ ઈમાનદારી અને અનોખી માનવતા બદલ દિલથી આભાર માન્યો હતો.