ખાડીપૂરે લીધો ઘરના મોભીનો જીવ

તંત્રની બેદરકારી સામે પરિવારનો આક્રોશ

અલ્પેશભાઈના પરિવારનો કાળજું કંપાવતો સવાલ

સરકાર 1 કરોડ આપે તોય મારો માણસ પાછો આવશે?   

6 વર્ષનો માસૂમ પુત્ર જોઈ રહ્યો છે પિતાની રાહ

સુરતનું ખાડીપુર હજારો લોકો માટે મુશ્કેલી બની ગયો હતો. પરંતુ મોટા વરાછામાં રહેતા દેસાઈ પરિવાર માટે તો કાળ બનીને ત્રાટક્યો હતો. વાલક વિસ્તારમાં ખાડીના ધસમસતા વહેણે એક હસતા-રમતા પરિવારનો આધાર છીનવી લીધો છે.

સુરતનું ખાડીપુર હજારો લોકો માટે મુશ્કેલી બની ગયો હતો. પરંતુ મોટા વરાછામાં રહેતા દેસાઈ પરિવાર માટે તો કાળ બનીને ત્રાટક્યો હતો. વાલક વિસ્તારમાં ખાડીના ધસમસતા વહેણે એક હસતા-રમતા પરિવારનો આધાર છીનવી લીધો છે. મોટા વરાછાની સગુન હાઈટ્સમાં પરિવાર સાથે રહેતા અલ્પેશભાઈ દેસાઈ જેઓ મિશન રોડ પરથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે જ કુદરત અને તંત્રની લાપરવાહીનો ભોગ બન્યા હતા. અલ્પેશભાઈ ખાડીના વહેણમાં તણાયા અને જોતજોતામાં બધું જ વેરવિખેર થઈ ગયું હતું.

આ દુર્ઘટના જેટલી દુઃખદ છે, તંત્રની કામગીરી એટલી જ શરમજનક બની રહી છે. શરૂઆતમાં જ્યારે અલ્પેશભાઈ ગુમ થયા, ત્યારે તંત્રએ શોધખોળમાં કોઈ ગંભીરતા ન દાખવી. આખરે લાચાર પરિવારે સરકારના મંત્રી પ્રફુલ પાનસેરીયાના દ્વાર ખખડાવવા પડ્યા હતા. મંત્રીની દરમિયાનગીરી અને આદેશ બાદ તંત્ર દોડતું તો થયું,અને  અલ્પેશભાઈને શોધી પણ કાઢ્યા.પરંતુ અફસોસ, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. અલ્પેશભાઈનો માત્ર નિર્જીવ દેહ જ હાથ લાગ્યો હતો.

પરિવાર પર આજે આભ તૂટી પડ્યું છે. અલ્પેશભાઈ ઘરના કમાનાર મુખ્ય વ્યક્તિ હતા, આખા ઘરનો આધારસ્તંભ હતા. વળતરના નામે અપાતા રૂપિયા આ પરિવારના આંસુ લૂછી શકે તેમ નથી. પરિવારે તંત્ર સામે બળાપો ઠાલવતા કહ્યું કે, “સરકાર એક લાખ કે એક કરોડ રૂપિયા આપે તો પણ અમારો સ્વજન કઈ રીતે પાછો આવશે? જો ખાડીપૂર આવ્યું જ ન હોત અને તંત્રએ સમયસર કામ કર્યું હોત, તો આજે આ દુર્ઘટના ન ઘટી હોત.”

સૌથી વધુ કાળજું કંપાવનારી સ્થિતિ અલ્પેશભાઈના 6 વર્ષના માસૂમ દીકરાની છે. એ નાદાન બાળક હજુય ચારેયતરફ પોતાના પિતાને શોધી રહ્યો છે. એક લાચાર માતા પાસે એવા કોઈ શબ્દો નથી કે જે પોતાના કાળજાના ટુકડાને સમજાવી શકે કે તેના પિતા હવે આ દુનિયામાં નથી રહ્યા.