ભરૂચની ડૉ. કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના MBBS ઇન્ટર્ન્સે ઇન્ટર્નશિપ સ્ટાઇપેન્ડમાં વધારો કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું

ભરૂચની ડૉ. કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના MBBS ઇન્ટર્ન્સે ઇન્ટર્નશિપ સ્ટાઇપેન્ડમાં વધારો કરવાની માંગ સાથે આજે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. 150થી વધુ વિદ્યાર્થીઓ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં શાંતિપૂર્ણ રીતે બેસી વિરોધ નોંધાવ્યો હતો.

વિદ્યાર્થીઓએ કોલેજના ડીન, પ્રિન્સિપાલ અને મેનેજમેન્ટને લેખિત રજૂઆત કરી હાલ મળતા માસિક ₹15,300ના સ્ટાઇપેન્ડને વધારી ₹21,800 કરવાની માંગ કરી છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેઓ ઇમર્જન્સી ડ્યુટી, વોર્ડ મેનેજમેન્ટ, OPD સહિત દર્દીઓની સારવારમાં મહત્વની જવાબદારીઓ નિભાવે છે. વધતી મોંઘવારી અને કામના ભારને ધ્યાનમાં રાખી હાલનું સ્ટાઇપેન્ડ અપૂરતું હોવાનું જણાવી યોગ્ય વધારો કરવાની માંગ કરી છે.

આ અંગે મેનેજમેન્ટ તરફથી ડૉ. ગોપિકા મેખિયાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ દ્વારા અગાઉ પણ સ્ટાઇપેન્ડ વધારાની રજૂઆત કરવામાં આવી હતી.જેના અનુસંધાને મેનેજમેન્ટે ₹500નો વધારો મંજૂર કરી વધારેલી રકમ વિદ્યાર્થીઓના ખાતામાં જમા પણ કરાવી દીધી છે. તેમણે વધુમાં જણાવ્યું કે હાલ કરવામાં આવી રહેલું વિરોધ પ્રદર્શન યોગ્ય નથી. મેનેજમેન્ટે વિદ્યાર્થીઓને મુખ્ય મેનેજમેન્ટ સભ્યો સાથે બેઠક યોજવાની ખાતરી પણ આપી છે. તેમ છતાં વિદ્યાર્થીઓએ આજે વિરોધ પ્રદર્શન કર્યું છે.આ સમગ્ર મામલે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરીને સુખદ અને હકારાત્મક ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.