ભાવનગર યુનિવર્સિટી કેમ્પસની અંદર વિદ્યાર્થીઓની સુરક્ષા સામે મોટા સવાલો ઉભા કરતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે.માત્ર પાર્કિંગ જેવી સામાન્ય બાબતના વિવાદે લોહિયાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે.

ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ ફરી એકવાર વિવાદ અને હિંસાના કેન્દ્રમાં આવ્યું છે. કેમ્પસની અંદર વિદ્યાર્થીઓની સુરક્ષા સામે મોટા સવાલો ઉભા કરતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં માત્ર પાર્કિંગ જેવી સામાન્ય બાબતના વિવાદે લોહિયાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે.

સહજાનંદ કોલેજના ABVP પ્રમુખ પ્રિયરાજસિંહ પરમાર અને તેમના મિત્ર હર્ષ ચૌહાણ પર કેમ્પસની અંદર જ 4 થી વધુ શખ્સોના ટોળાએ છરી અને ધોકા જેવા ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો છે.

ગત તારીખ 9 જુલાઈએ પ્રિયરાજસિંહને અન્ય વિદ્યાર્થીઓ સાથે પાર્કિંગ મામલે સામાન્ય બોલાચાલી થઈ હતી. જેની અદાવત રાખીને કોલેજમાં જ અભ્યાસ કરતા 4 વિદ્યાર્થીઓ સહિતના શખ્સોએ આ હુમલાને અંજામ આપ્યો હતો. હુમલામાં બંને વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની ગંભીરતાને જોતા નિલમબાગ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી છે. પોલીસે ગુનો નોંધીને 2 વિદ્યાર્થીઓ અને અન્ય એક શખ્સની અટકાયત કરી લીધી છે, જ્યારે પકડાયેલાઓ માંથી એક સગીર વયનો હોવાનું સામે આવ્યું છે.

બીજી તરફ, ખાનગી કોલેજના ટ્રસ્ટીએ પણ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, કેમ્પસની શિસ્ત ભંગ કરનારા અને હુમલામાં સંડોવાયેલા વિદ્યાર્થીઓ સામે કોલેજ પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે કડક પગલાં લેવામાં આવ્યા છે. પરંતુ સવાલ એ થાય છે કે જો શૈક્ષણિક ધામોમાં જ વિદ્યાર્થીઓ સુરક્ષિત નથી, તો વાલીઓએ પોતાના સંતાનોને કોલેજ કઈ આશાએ મોકલવા?