નકલી દારૂના કારોબારનો પર્દાફાશ
જાસ્કા ગામની સીમમાં ચાલતું હતું કૌભાંડ
બ્રાન્ડેડ બોટલોમાં ભરાતો હતો નકલી દારૂ
LCB ની ‘નાઈટ કોમ્બિંગ’ સક્સેસફુલ
પોલીસે ત્રણની કરી ધરપકડ,એક ફરાર
પાટણ જિલ્લાના હારીજ તાલુકાના જાસ્કા ગામની સીમાથી એલસીબી પોલીસે નકલી દારૂ બનાવવાનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું હતું,અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.
ગાંધીના ગુજરાતમાં વધુ એક વખત નકલી દારૂ બનાવતી આખી ફેક્ટરી પકડાતા ચકચાર મચી ગઈ છે. પાટણ જિલ્લાની LCBએ એક ખૂબ જ મોટી કાર્યવાહી કરીને હારીજ તાલુકાના જાસ્કા ગામની સીમમાંથી નકલી વિદેશી દારૂ બનાવવાનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસ જ્યારે રથયાત્રા સંદર્ભે ‘નાઈટ કોમ્બિંગ’ એટલે કે રાત્રી પેટ્રોલિંગમાં હતી, ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે એક ખેતરની ઓરડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ પણ ત્યારે ચોંકી ગઈ જ્યારે જોયું કે એક રૂમની અંદર બ્રાન્ડેડ કંપનીના નામે કેમિકલ યુક્ત ડુપ્લીકેટ દારૂ બનાવવાનું કારખાનું ચાલી રહ્યું હતું.
આ ફેક્ટરીમાં જાણીતી બ્રાન્ડના નામે નકલી દારૂ તૈયાર કરી, તેના પર આબેહૂબ સ્ટીકરો લગાવીને બજારમાં મોંઘા ભાવે વેચવાની પેરવી કરવામાં આવી રહી હતી.આ ગુનામાં સંડોવાયેલા 3 સ્થાનિક બૂટલેગરો ભરતસિંહ રાઠોડ,ચાંપરાજ કાઠી, કુંવરસિંહ ઝાલાને પોલીસે રંગેહાથ દબોચી લીધા છે.જ્યારે આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને રો મટીરીયલ સપ્લાય કરનાર રાજસ્થાનના જોધપુરનો શિવરાજ મારવાડી હાલ પોલીસ પકડથી દૂર છે, જેને વોન્ટેડ જાહેર કરીને LCB પોલીસે તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. હાલમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ હારીજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી, આ નકલી દારૂ ક્યાં-ક્યાં સપ્લાય થવાનો હતો તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
