પંચમહાલ જિલ્લાના તાજપૂરાના સેવા યજ્ઞમાં નવું સોપાન રૂપિયા 7.80 કરોડના ખર્ચે નવનિર્મિત ‘નારાયણ ભવન’નું નાણા મંત્રી કનુ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલ તાજપૂરા ખાતે માનવ સેવા અને આરોગ્ય ક્ષેત્રે વધુ એક યશસ્વી કાર્ય સંપન્ન થયું છે. તાજપૂરા શ્રી નારાયણ આઈ હોસ્પિટલમાં દિવસ-રાત જોયા વગર દર્દીઓની સેવા કરતા ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ માટે હવે રહેવાની ઉત્તમ અને અદ્યતન સગવડ ઊભી થઈ છે, જેનાથી ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ બનશે.

તાજપૂરા ખાતે હોસ્પિટલમાં સેવા આપતા તબીબો અને સહયોગી સ્ટાફના નિવાસ માટે રૂપિયા 7.80 કરોડના માતબર ખર્ચે અદ્યતન આવાસ ‘નારાયણ ભવન’ નું નિર્માણ કરવામાં આવ્યું છે.આ આધુનિક બિલ્ડિંગનું લોકાર્પણ પવિત્ર અષાઢી બીજ એટલે કે રથયાત્રાના પાવન અવસરે રાજ્યના નાણા અને શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈના હસ્તે વિધિવત રીતે પૂજા-અર્ચના કરીને કરવામાં આવ્યું હતું. આ આધુનિક સુવિધાઓથી સજ્જ ભવનમાં હોસ્પિટલના 46 ડોક્ટરો માટે 2-BHK અને અન્ય 80 સ્ટાફ સભ્યો માટે 1-BHK આવાસની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આ ભગીરથ પ્રોજેક્ટ પોલિકેબ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન અને ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસીટી કોર્પોરેશન લિમિટેડના ઉમદા સામાજિક અને સીએસઆર સહયોગથી સાકાર થયો છે.

આ લોકાર્પણ સમારોહ દરમિયાન હોસ્પિટલ અને ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓની સુવાસ ફેલાવતા વિશેષ ‘નારાયણ સેવાશ્રમ’ મેગેઝિનનું પણ મંચસ્થ મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ ગરિમામય પ્રસંગે શ્રી નારાયણ ટ્રસ્ટના પ્રમુખ રાજેશ રાજગોર, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, પોલિકેબના ડાયરેક્ટર રાકેશ તલાટી સહિત અન્ય ટ્રસ્ટીઓ, ઉચ્ચ સરકારી અધિકારીઓ અને પંથકના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ ભગીરથ કાર્યને બિરદાવ્યું હતું.