ભરૂચ મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીના સહયોગથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાયર સેફ્ટી અવેરનેસ તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો.કાર્યક્રમ દરમિયાન ભરૂચ ડિઝાસ્ટર મેનેજમેન્ટની વાલિયા ગ્રુપ-10ની ટીમે ભૂકંપ, આગ, પૂર અને ઔદ્યોગિક અકસ્માત જેવી કુદરતી કે માનવસર્જિત આપત્તિઓ સામે સ્વબચાવ અને અન્ય લોકોની મદદ કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. ટીમે રેસ્ક્યુ સાધનો અને સુરક્ષા ઉપકરણોના ઉપયોગ અંગે પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન પૂરું પાડ્યું હતું.
આ ઉપરાંત, વિદ્યાર્થીઓને ફાયર એક્સ્ટિંગ્વિશરનો યોગ્ય ઉપયોગ અને આગ લાગવાની સ્થિતિમાં સલામત રીતે બહાર નીકળવા અંગે માહિતગાર કરવા ફાયર સેફ્ટી મોકડ્રિલ પણ યોજાઈ હતી. વિદ્યાર્થીઓએ પહેલા પોતાની સલામતી, બાદમાં અન્યની મદદનો સિદ્ધાંત શીખ્યો હતો. કાર્યક્રમના અંતે મુન્શી ટ્રસ્ટે કલેક્ટર કચેરી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
