આણંદના વાસદ રેલવે સ્ટેશન પરથી સાડા ચાર વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી તેની હત્યા કરનાર મુખ્ય આરોપી સુરેશ પરમાર પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. આરોપીએ આણંદ લાવતી વખતે પોલીસ ટીમ પર ચપ્પુ વડે હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જે બાદ પોલીસે આત્મરક્ષણમાં કરેલા ગોળીબારમાં તેનું મોત નીપજ્યુ હતું.

વાસદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી રાત્રિના આશરે 9:15 વાગ્યે સાડા ચાર વર્ષની બાળકીનું અપહરણ થયું હતું. વહેલી સવારે પ્લેટફોર્મના અંત ભાગથી આગળ રેલવે ટ્રેક પરથી બાળકીનો કચડાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાસ્થળેથી બાળકીની લેંઘી પણ મળી આવી હતી. પ્રાથમિક દૃષ્ટિએ બાળકી પર દુષ્કર્મ આચરી, પુરાવાનો નાશ કરવાના ઈરાદાથી તેને ટ્રેન નીચે ફેંકી દઈ હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઇ રહી છે. બનાવની ગંભીરતા જોઈ રેલવે પોલીસ, સ્થાનિક પોલીસ અને FSLની ટીમોએ સ્થળ પર પહોંચી વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી હતી.

વડોદરા રેલવે વિભાગના એસપી અભય સોનીના માર્ગદર્શન હેઠળ રેલવે પોલીસ, આણંદ જિલ્લા પોલીસ, LCB, SOG અને વાસદ પોલીસ સહિતની 6થી 7 ટીમો તપાસમાં જોડાઈ હતી. તપાસ દરમિયાન પોલીસને રેલવે સ્ટેશનના CCTV ફૂટેજ હાથ લાગ્યા હતા, જેમાં એક શંકાસ્પદ યુવક માસૂમ બાળકીને તેડીને લઈ જતો સ્પષ્ટ દેખાયો હતો. આ ફૂટેજના આધારે બોરસદ રૂરલ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી સુરેશ પરમારને ઝડપી પાડ્યો હતો અને આગળની તપાસ માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચને સોંપ્યો હતો.

આરોપીની ધરપકડ બાદ LCBની ટીમ જ્યારે તેને લઈને આણંદ આવી રહી હતી ત્યારે સમગ્ર ઘટનાક્રમમાં નાટ્યાત્મક વળાંક આવ્યો હતો. આરોપી સુરેશ પરમારે રસ્તામાં ઉલટી કરવાનું બહાનું કાઢીને પોલીસનું વાહન રોકાવ્યું હતું. વાહન ઊભું રહેતા જ તેણે પોતાની પાસે છુપાવી રાખેલા ચપ્પુ વડે પોલીસ ટીમ પર અચાનક હિંસક હુમલો કરી દીધો હતો. આ હુમલામાં પોલીસ કર્મચારી મહિપાલસિંહ અને રાજવીરસિંહ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

પરિસ્થિતિ બેકાબૂ બનતા પીએસઆઈ રાણાએ આરોપીને રોકાઈ જવા અને આત્મસમર્પણ કરવા વારંવાર ચેતવણી આપી હતી. છતાં આરોપી વધુ હિંસક બની હુમલો ચાલુ રાખતા, પોલીસે કાયદો-વ્યવસ્થા અને સ્વ-બચાવમાં ગોળીબાર કરવો પડ્યો હતો. પોલીસની જવાબી કાર્યવાહીમાં આરોપીને બે ગોળીઓ વાગતા તે લોહીલુહાણ થઈ ઢળી પડ્યો હતો. ઈજાગ્રસ્ત આરોપીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું.

હાલ આરોપી સુરેશ પરમારના મૃતદેહને કરમસદ મેડિકલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે રાખવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ સમગ્ર એન્કાઉન્ટર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક અહેવાલો મુજબ આ કાર્યવાહી સંપૂર્ણપણે આત્મરક્ષણમાં કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.