આમોદ પાલિકા પ્રમુખના વોર્ડ વિસ્તારમાં જ સમસ્યા

માળખાકીય સુવિધાઓનો લાંબા સમયથી રહ્યો અભાવ

બિસ્માર રોડ-રસ્તા, સફાઈ મુદ્દે સ્થાનિકોમાં નારાજગી

સ્થાનિકોએ નગરપાલિકા કચેરીએ ઉગ્ર રજૂઆત કરી

પાલિકા દ્વારા સ્થાનિકોને આશ્વાસન આપવામાં આવ્યું

ભરૂચ જિલ્લાની આમોદ નગરપાલિકા પ્રમુખના વોર્ડ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિકો મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરી હતી.

ભરૂચ જિલ્લાની આમોદ નગરપાલિકાના પ્રમુખ મહેન્દ્ર દેસાઈના વોર્ડ વિસ્તારમાં જ રસ્તા, ખાડા અને સફાઈના પ્રશ્નોને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. સ્થાનિકો દ્વારા પાલિકા કચેરીએ હાય-હાયના નારા લગાવી સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી હતી. સ્થાનિકોના આક્ષેપ મુજબ, વિસ્તારમાં માળખાકીય સુવિધાઓનો લાંબા સમયથી અભાવ યથાવત છે. આ અંગે પાલિકા તંત્ર સમક્ષ મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવા છતાં યોગ્ય કામગીરી ન થતાં સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. વિપક્ષના જણાવ્યા મુજબ, પાલિકા દ્વારા પ્રજાના મૂળભૂત પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવું જરૂરી છે.

સમગ્ર મામલે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, ગણપતિ મહોત્સવને ધ્યાનમાં રાખીને તમામ રૂટ પરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. રબારીવાડ વિસ્તાર અંગે પણ રજૂઆત મળી છે. આ વિસ્તારમાં સફાઈની કામગીરી કરવાની હોવાથી તે બાકી રહી છે, અને આગામી 2 દિવસમાં આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે, ત્યારે હવે પાલિકા તંત્ર દ્વારા આપવામાં આવેલા આશ્વાસન મુજબ 2 દિવસમાં સફાઈ સહિતની કામગીરી પૂર્ણ થાય છે કે નહીં, તેના પર સ્થાનિકોની નજર રહેશે. બિસમાટ માર્ગ અને સફાઈના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે.