ગુજરાત સરકારે 21 જુલાઈ, 2026ના રોજ 28 IAS અધિકારીઓની મોટા પાયે બદલીના આદેશ જાહેર કર્યા છે. ફેરફારમાં સુરત, જુનાગઢ, પોરબંદર, GIDC, DGVCL, UGVCL સહિત અનેક મહત્વના હોદ્દાઓ પર નવી નિમણૂક કરવામાં આવી છે.
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા IAS અધિકારીઓની મોટા પાયે બદલી કરવામાં આવી છે. 21 જુલાઈ, 2026ના રોજ જાહેર કરાયેલા આદેશ મુજબ કુલ 28 અધિકારીઓની બદલી સાથે કેટલાક અધિકારીઓને નવી જવાબદારી સોંપવામાં આવી છે. આ ફેરફારમાં જુનાગઢ અને પોરબંદરના મ્યુનિસિપલ કમિશનરથી લઈને DGVCL અને UGVCL જેવી વીજ કંપનીઓના MD સુધી મહત્વના હોદ્દાઓમાં ફેરફાર થયો છે. આ ઉપરાંત કેટલાક અધિકારીઓને વધારાના ચાર્જમાંથી મુક્ત કરીને નિયમિત જવાબદારી સોંપવામાં આવી છે. તાજેતરમાં IAS કેડરમાં આવેલા કેટલાક અધિકારીઓની પણ નવી જગ્યાએ નિમણૂક કરવામાં આવી છે.

જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશીની બદલી કરવામાં આવી છે. તેમની સેવાઓ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ વિભાગને સોંપવામાં આવી છે અને તેમને ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC)ના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તેમના સ્થાને આઈ. આર.વાળાને જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિની બદલી કરી તેમને અમરેલી જિલ્લા વિકાસ અધિકારી (DDO) બનાવવામાં આવ્યા છે. જ્યારે સુથાર રાજ રમેશચંદ્ર, જેઓ હાલમાં સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (SUDA)ના CEO તરીકે ફરજ બજાવી રહ્યા હતા, તેમને પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
દાહોદના જિલ્લા વિકાસ અધિકારી સ્મિત સંતોષ લોઢાની બદલી કરીને તેમને સુરત મહાનગરપાલિકામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (DMC) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમના સ્થાને હિરેન જિતેન્દ્રભાઈ બારોટને દાહોદના DDO તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
ગાંધીનગરમાં સ્કિલ ડેવલપમેન્ટના ડિરેક્ટર કે. જે. રાઠોડની બદલી કરીને તેમને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL), સુરતના મેનેજિંગ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધી DGVCLના MDનો વધારાનો ચાર્જ સંભાળતા સુથાર રાજ રમેશચંદ્રને હવે પોરબંદર મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી સોંપવામાં આવી છે.
ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA)ના ડિરેક્ટર અને હાલ UGVCLના MDનો વધારાનો ચાર્જ સંભાળતા ગૌરાંગભાઈ એચ. મકવાણાને હવે નિયમિત રીતે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL)ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમના સ્થાને ડી. કે. પટેલને GEDAના ડિરેક્ટર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત મેડીકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડના MD ડી. કે. બ્રહ્મભટ્ટની બદલી કરીને તેમને ગાંધીનગરના જિલ્લા વિકાસ અધિકારી (DDO) બનાવવામાં આવ્યા છે. તેમના સ્થાને M.P. પંડ્યાને ગુજરાત મેડીકલ સર્વિસીસ કોર્પોરેશનના MD તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ બદલીમાં કે. પી. જોશીને દેવભૂમિ દ્વારકાના DDO બનાવવામાં આવ્યા છે. તેઓ અગાઉ PGVCLના MD હતા. તેમની જગ્યાએ એમ. ડી. ચૂડાસમાને PGVCLના MD તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત R.N. કુચારાને રાજકોટના રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, સી. એ. ગાંધીને વડોદરાના રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ અને કે. એસ. ઝાલાને ડાંગના DDO તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. એમ. કે. જોશીને D-SAGના CEO, એ. કે જોશીને ગુજરાત અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના MD અને B.H. પટેલને ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમના MD બનાવવામાં આવ્યા છે.
સરકારના આદેશમાં કુલ 28 અધિકારીઓની બદલી અને નવી નિમણૂક કરવામાં આવી છે. અનેક અધિકારીઓને અત્યાર સુધી સોંપવામાં આવેલો વધારાનો ચાર્જ હટાવીને નિયમિત જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત ગ્રામ વિકાસ, રોજગાર-તાલીમ, સ્કિલ ડેવલપમેન્ટ, સામાજિક ન્યાય અને ઉર્જા વિભાગ સહિતના વિવિધ વિભાગોમાં પણ અધિકારીઓની જવાબદારી બદલવામાં આવી છે.
