દેશભરમાં હાલ ચોમાસું પૂરી રીતે સક્રિય છે અને મેઘરાજા હવે પોતાનું અસલી રૌદ્ર સ્વરૂપ બતાવવા જઈ રહ્યા છે. હવામાન વિભાગ (IMD) ની નવીનતમ આગાહી મુજબ, આવતીકાલે એટલે કે 23 જુલાઈના રોજ ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશના 11 થી વધુ રાજ્યોમાં ભારે વરસાદ અને ભયંકર વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. આગામી 10 કલાકમાં વાતાવરણમાં મોટો પલટો આવવાની સંભાવના છે, જેમાં મૂશળધાર વરસાદની સાથે સાથે કલાકના 85 કિલોમીટર સુધીની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે. ખાસ કરીને ઉત્તર અને પૂર્વ ભારતમાં ચોમાસું તબાહી મચાવી શકે છે, જ્યાં વીજળી પડવાની, કરા પડવાની અને ગીચ જંગલવાળા પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આગામી 3 થી 4 દિવસમાં પૂર્વ ભારતમાં ચોમાસાનું વિકરાળ સ્વરૂપ જોવા મળી શકે છે, તેથી ત્યાંના લોકોને અત્યંત સતર્ક રહેવાની સલાહ અપાઈ છે. વાતાવરણમાં થઈ રહેલા ફેરફાર પાછળનું મુખ્ય કારણ એ છે કે, ઉત્તર-પૂર્વ આસામ અને તેની આસપાસના વિસ્તારોમાં હવાનું એક સાયક્લોનિક સર્ક્યુલેશન (ચક્રવાતી પરિભ્રમણ) બની રહ્યું છે. આ ઉપરાંત, ઉત્તર મધ્યપ્રદેશના મધ્ય ભાગોમાં પણ નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના પરિણામે આવતીકાલે ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ અને આપણા ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદ ખાબકી શકે છે.