‘છાત્રો કી ગુંજ’ અભિયાન અંતર્ગત કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

NEET પેપર લીક મામલે ગુજરાત કોંગ્રેસનો આક્રમક મૂડ

નહેરુબ્રિજથી સરદાર બાગ સુધી રેલીનું આયોજન કરાયું

રેલી યોજી ભાજપ સરકાર પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા

પેપર લિક થતું હોવાથી વિદ્યાર્થીઓને નુકસાન : અમિત ચાવડા

અમદાવાદ શહેરના નહેરુબ્રિજથી સરદાર બાગ સુધી ગુજરાત કોંગ્રેસ દ્વારા ‘છાત્રો કી ગુંજ’ અભિયાન અંતર્ગત રેલી યોજી ભાજપ સરકાર પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા.

NEET પેપર લીક મુદ્દે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને શિક્ષણના વ્યાપારીકરણ મુદ્દે ગુજરાત કોંગ્રેસ રસ્તા પર ઉતરી હતી. સરકારના વિરોધમાં અમદાવાદ શહેરના નહેરુબ્રિજથી સરદાર બાગ સુધી રેલી યોજી ‘છાત્રો કી ગુંજ’ અભિયાન અંતર્ગત સરદારબાગ ખાતે ધરણા પ્રદર્શન કર્યા હતા. ‘હાય રે ભાજપ હાય હાય’ના નારા સાથે રેલીની શરૂઆત થઈ હતી. જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી, કરસનદાસ ભાદરકા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સહિત કોંગ્રેસના આગેવાનો-કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકરો જોડાયા હતા.

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, શિક્ષાનું જે રીતે વ્યાપારીકરણ થયું તેના કારણે વિદ્યાર્થીઓ, વાલીઓ અને આખો દેશ વિરોધ દર્શાવી રહ્યો છે. વારંવાર પેપર લિક થતું હોવાથી વિદ્યાર્થીઓને નુકસાન થઈ રહ્યું છે. આખા દેશના વિદ્યાર્થીઓ જંતરમંતર પર આવીને શિક્ષણનું વ્યાપારીકરણ કરનાર સરકાર સામે અવાજ ઉઠાવે, ત્યારે વિદ્યાર્થીઓ સાથે વાત કરવા અથવા સંવાદ કરવાના બદલે દેશના વડાપ્રધાન અને ગૃહ મંત્રીના આદેશથી વિદ્યાર્થીઓ પર બેફામ લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કહેવાથી પોલીસે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હોવાનો આક્ષેપ કરી રાજીનામાની પણ માંગ કરી હતી. આ સાથે જ વિદ્યાર્થીઓ સામે નોંધેલી FIR પરત ખેંચી લાઠીચાર્જ કરનારા પોલીસકર્મીઓ સામે પણ કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.