ગાંધીનગરનું પુંધરા PHC બન્યું ડિજિટલ
ગ્રામીણ આરોગ્ય ક્ષેત્રે બન્યું રોલ મોડેલ
સ્માર્ટ ટેકનોલોજીથી બદલાયો ગ્રામીણ સ્વાસ્થ્યનો ચહેરો
હવે ગામડામાં પણ નિષ્ણાત ડોક્ટરોની સલાહ
આરોગ્ય કેન્દ્ર ક્ષેત્રે મફત સેવાઓનું ઉત્કૃષ્ટ ઉદાહરણ
ગાંધીનગરના પુંધરા ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સમગ્ર રાજ્ય માટે મફત, ગુણવત્તાયુક્ત અને ટેકનોલોજી આધારિત ગ્રામીણ સ્વાસ્થ્ય સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યું છે.
ગાંધીનગર જિલ્લાનું પુંધરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સૌર ઊર્જા અને આધુનિક ટેક્નોલોજીના સમન્વયથી ગ્રામીણ આરોગ્ય ક્ષેત્રે એક નવો માપદંડ સ્થાપિત કરી રહ્યું છે. અહીં આવતા દર્દીઓને તમામ પ્રકારના ડિજિટલ રેકોર્ડ્સ અને તબીબી તપાસની સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થાય છે.
દૈનિક 150 થી 200 દર્દીઓની ઓપીડી (OPD) ધરાવતા આ કેન્દ્રમાં દર મહિને 30 થી 35 સુરક્ષિત પ્રસૂતિ કરાવવામાં આવે છે. સગર્ભા મહિલાઓ માટે સોનોગ્રાફી, નવજાત શિશુઓ માટે ‘બેબી કેર કિટ’ અને ટીબીના દર્દીઓ માટે ‘નિક્ષય મિત્ર’ યોજના હેઠળ પોષણ કિટ તદ્દન મફત આપવામાં આવે છે. આવી ઉત્કૃષ્ટ અને નિઃશુલ્ક સેવાઓ મળવાથી સ્થાનિકોને હવે દૂરના શહેરોમાં જવાનો આર્થિક બોજ સહન કરવો પડતો નથી.
‘ઈ-સંજીવની’ પોર્ટલ થકી ગ્રામજનો પોતાના ગામમાં જ રહીને સિવિલ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોનું માર્ગદર્શન મેળવી શકે છે. મેડિકલ સ્ટાફની કામગીરી અને સરકારી સુવિધાઓના જોડાણથી, આ કેન્દ્ર ગ્રામીણ સ્વાસ્થ્ય સુધારણામાં મહત્વનો ભાગ ભજવી રહ્યું છે.
