ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

વાગરાના સારણ ગામના ખેડૂતોની રજુઆત

કંપનીઓના પ્રદુષણ મુદ્દે રજુઆત કરાય

ખેતીના ઉભા પાકને નુક્શાનીના આક્ષેપ

ભરૂચના વાગરા તાલુકાના સારણ ગામના ખેડૂતો દ્વારા ગામની આસપાસની કંપનીઓના પ્રદૂષણથી ખેતીના પાકને વ્યાપક નુકશાન થઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ભરૂચના વાગરા તાલુકાના સારણ ગામના ખેડૂતો દ્વારા ગામની આસપાસની કંપનીઓના પ્રદૂષણને લઈને જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ હેમાની કોપર કંપની અને જીએસપી નીલકંઠ ઈન્ડસ્ટ્રીઝ તરફથી નીકળતા પ્રદૂષિત ગેસના કારણે ખેતી અને વૃક્ષોને નુકસાન થઈ રહ્યું છે.

ખેડૂતોના આક્ષેપ મુજબ પ્રદૂષણના કારણે સારણ ગામના ખેતરોમાં કપાસ, તુવેર, મગ સહિતના પાક તેમજ લીમડો, સમડી સહિતના મોટા વૃક્ષોને નુકસાન થયું છે. કંપનીમાંથી નીકળતા ગેસના કારણે ખેતી પર સીધી અસર થતી હોવાથી ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.ખેડૂતોનું કહેવું છે કે અગાઉ પણ આ અંગે નુકસાન થયું હતું, પરંતુ હવે ફરીથી નુકસાન થતું હોવાથી ચિંતા વધી છે.

રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે કંપનીનો પ્રોડક્ટ બંધ કરવામાં આવે તો ખેડૂતોને રાહત મળી શકે છે. ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને સમગ્ર મામલે તપાસ કરી કંપનીના પ્રદૂષણને કારણે થઈ રહેલા નુકસાનને અટકાવવા અને જરૂરી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.