સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં આવેલી કાપડની દુકાનમાંથી રૂ. 10 લાખ રોકડની ચોરી કરનાર પૂર્વ કર્મચારીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં બેગમવાડી સ્થિત મિલાન ટેક્સટાઇલ માર્કેટના બીજા માળે આવેલી રબ્બાની ફેબ્રિક્સ નામની કાપડની દુકાનમાંથી રૂ. 10 લાખની રોકડ ચોરી થઈ હતી. તસ્કરે રાત્રિ દરમિયાન બાથરૂમની પાછળની લોખંડની ગ્રીલ તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં કાઉન્ટર તોડી અંદર રાખેલા આશરે 10 લાખની રોકડ રકમની ચોરી કરી હતી. આ મામલે મહિધરપુરા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, CCTV ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી મોટી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે દુકાનમાં અગાઉ કામ કરી ચૂકેલા 26 વર્ષીય સમીર જમાલ અન્સારીની ધરપકડ કરી ચોરી થયેલી તમામ રોકડ રકમ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
