ભરૂચના આમોદમા આવેલું છે સરકારી પશુ દવાખાનું

પશુ દવાખાનું જર્જરિત હાલતમાં

છતના પોપડા ખરવાની સ્થિતિ

દુર્ઘટના સર્જાઈ તો જવાબદાર કોણ

વહેલી તકે સમારકામની કરાય માંગ

ભરૂચના આમોદના કાર્યરત સરકારી દવાખાનુ છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે જેના પગલે દવાખાનામાં ફરજ બજાવતા ડોક્ટર અને કર્મચારીઓ તેમજ સારવાર માટે આવતા પશુપાલકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

ભરૂચના આમોદ શહેરમાં પશુઓની સારવાર માટે કાર્યરત સરકારી પશુ દવાખાનું વર્ષોથી જર્જરીત હાલતમાં હોવાનું સામે આવ્યું છે. દવાખાનાની છત અને ધાબા પરથી પોપડા ઊખડી રહ્યા છે, જ્યારે ડોક્ટરના ચેમ્બર ઉપર પણ છતના પોપડા લટકતા જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિને પગલે દવાખાનામાં ફરજ બજાવતા ડોક્ટર અને કર્મચારીઓ તેમજ સારવાર માટે આવતા પશુપાલકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

દવાખાનાની જર્જરીત ઈમારતને કારણે કોઈ દુર્ઘટના સર્જાય તેવી ભીતિ વચ્ચે સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે. પશુપાલકોનો આક્ષેપ છે કે વર્ષોથી ઈમારતની સ્થિતિ ખરાબ હોવા છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. અગાઉ પણ નવા પશુ દવાખાનાના મકાન માટે ગ્રાન્ટ મંજૂર થઈ હોવાનું કહેવાય છે. જોકે, આ ગ્રાન્ટનો ઉપયોગ કેમ ન થયો અથવા કોઈ કારણસર પરત ગઈ કે કેમ, તે અંગે સ્પષ્ટતા જરૂરી બની છે. હવે ફરી એકવાર નવા મકાન માટે ગ્રાન્ટ મંજૂર થઈ હોવાની અને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હોવાની માહિતી સામે આવી છે. પરંતુ નવા મકાનનું કામ શરૂ થાય ત્યાં સુધી હાલની જર્જરીત ઈમારતમાં સારવારનું કામ ચાલુ રહેવાનું છે. ત્યારે સ્થાનિકોનો સવાલ છે કે જો છતનો પોપડો કોઈના માથે પડે અને કોઈ કર્મચારી, પશુપાલક કે નાગરિક ઈજાગ્રસ્ત થાય તો તેની જવાબદારી કોની રહેશે?

પશુપાલકો અને નગરજનોની માંગ છે કે નવા પશુ દવાખાનાના મકાનનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે. ત્યાં સુધી હાલની ઈમારતની સુરક્ષા ચકાસણી કરાવી જોખમી વિસ્તારોમાં જરૂરી સુરક્ષા પગલાં ભરવામાં આવે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.