માંડવીના દરિયા કાંઠે ધબકતું ‘ક્રાંતિતીર્થ’

લંડનના ઐતિહાસિક ‘ઇન્ડિયા હાઉસ’ની પ્રતિકૃતિનું રૂપે

દેશની અખંડ ચેતના અને વીરતાનું પ્રતીક બન્યું

ઐતિહાસિક વારસો યુવા પેઢીમાં રાષ્ટ્રપ્રેમ અને સ્વાભિમાનનું પ્રતિક

સ્મારક નાગરિકોના હૃદયમાં દેશપ્રેમની જ્યોત પ્રજ્વલિત રાખે છે

કચ્છના માંડવીના દરિયાકાંઠે ધબકતું ‘ક્રાંતિતીર્થ’ લંડનના ઐતિહાસિક ‘ઇન્ડિયા હાઉસ’ની પ્રતિકૃતિ રૂપે દેશની અખંડ ચેતના અને વીરતાનું પ્રતીક બનીને અડીખમ ઉભું છે.

કચ્છના માંડવીના દરિયાકાંઠે ધબકતું ‘ક્રાંતિતીર્થ’ લંડનના ઐતિહાસિક ‘ઇન્ડિયા હાઉસ’ની પ્રતિકૃતિ રૂપે દેશની અખંડ ચેતના અને વીરતાનું પ્રતીક બનીને અડીખમ ઉભું છે.માતૃભૂમિની આઝાદી કાજે સર્વસ્વ ન્યોછાવર કરનાર પંડિત શ્યામજી કૃષ્ણવર્મા અને તેમનાં ધર્મપત્ની ભાનુમતી દેવીનાં અસ્થિ 55 વર્ષ બાદ સ્વિઝર્લેન્ડથી વતન લાવી, અહીં પૂર્ણ રાજકીય સન્માન સાથે સ્થાપિત કરાયા હતા.

વર્ષ 2010થી GMDC દ્વારા જતનપૂર્વક સચવાયેલો આ ઐતિહાસિક વારસો યુવા પેઢીમાં રાષ્ટ્રપ્રેમ અને સ્વાભિમાનનું નવું જોમ ભરી રહ્યો છે. માંડવીમાં સાકાર થયેલું ક્રાંતિતીર્થ સ્વાતંત્ર્ય સંગ્રામના સૌથી પ્રેરણાદાયી અધ્યાયને જીવંત રાખે છે. વિદેશની ધરતી પર રહીને ક્રાંતિકારી ચળવળને પ્રચંડ વેગ આપનાર પંડિત શ્યામજી કૃષ્ણવર્માની પાવન સ્મૃતિમાં નિર્મિત આ સંકુલ આજે દેશભક્તિનું અનન્ય પ્રેરણાકેન્દ્ર બન્યું છે.

અહીં મુલાકાતીઓની સુવિધા માટે ઓનલાઇન ટિકિટિંગ વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ છે, જેથી ‘વીરાંજલિ ગેલેરી’ અને ‘ફોટો ગેલેરી’નું ભ્રમણ અત્યંત સરળ અને સુગમ બન્યું છે. અંગ્રેજોની ગુલામી સ્વીકારી ધનદોલત કમાવાને બદલે દેશ કાજે સર્વસ્વ ત્યાગ કરનાર આ ક્રાંતિવીરના સંઘર્ષની ગાથા પ્રશિક્ષિત ગાઇડસ દ્વારા પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવી રહી છે, જે નવી પેઢીમાં ગર્વ અને આત્મવિશ્વાસનો સંચાર કરે છે.

શિક્ષણ અને રાષ્ટ્રીય ગરિમાનો સુભગ સમન્વય રચતું આ સ્મારક પ્રત્યેક નાગરિકના હૃદયમાં દેશપ્રેમની જ્યોત પ્રજ્વલિત રાખે છે. માતૃભૂમિ પ્રત્યેના સમર્પણની આ અમર ધરોહર આવનારી અનેક પેઢીઓને નિર્ભયતા, ત્યાગ અને રાષ્ટ્રનિષ્ઠાની પ્રેરણા આપતી રહેશે.