અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવની ઉજવણી
વિવિધ થીમ પર ગણેશ મહોત્સવનું આયોજન
સિદ્ધિવિનાયક મંદિરની થીમનું નિર્માણ
આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરાય
ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર
અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવની ધૂમ જોવા મળી રહી છે ત્યારે શહેરની ધનલક્ષ્મી સોસાયટી ખાતે મુંબઈના સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે જે ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
ગણેશોત્સવની ઉજવણી દરમિયાન અંકલેશ્વરમાં વિવિધ ગણેશ મંડળો દ્વારા અવનવી થીમ અને ધાર્મિક સ્થળોની આબેહૂબ પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી રહી છે ત્યારે ધનલક્ષ્મી સોસાયટી ખાતે ધનલક્ષ્મી યુવક મંડળ દ્વારા મુંબઈના સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરની હૂબહૂ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે.સ્થાનિક યુવકોએ વિશેષ આર્ટિસ્ટની મદદથી સતત બે મહિનાની મહેનત બાદ આ ભવ્ય સેટ તૈયાર કર્યો છે. મંદિરની પ્રતિકૃતિ એટલી આબેહૂબ બનાવવામાં આવી છે કે મંડપમાં પ્રવેશતા જ ભક્તોને જાણે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરના જ દર્શન થઈ રહ્યા હોય તેવો દિવ્ય અનુભવ થઈ રહ્યો છે.સેટમાં મંદિરની રચના, બારીક કારીગરી અને સજાવટને ખાસ ધ્યાનમાં રાખવામાં આવી છે. ગણેશોત્સવ દરમિયાન આ અનોખી થીમ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.સિદ્ધિવિનાયક મંદિરની આ પ્રતિકૃતિના દર્શન કરવા માટે અંકલેશ્વર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ધનલક્ષ્મી સોસાયટી ખાતે પહોંચી રહ્યા છે. યુવક મંડળની બે મહિનાની અથાક મહેનત અને કલાત્મક રજૂઆતને લોકો દ્વારા પણ સરાહવામાં આવી રહી છે.
