સિંધોત પ્રાથમિક મિશ્ર શાળામાંથી વિવાદ સામે આવ્યો

છેલ્લા દોઢ વર્ષથી શિક્ષકો વચ્ચે ચાલી રહ્યો છે વિવાદ

શાળાના વિદ્યાર્થીઓ અન્ય શાળામાં જવા મજબૂર બન્યા

વિવાદને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો

નવા શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ ઉઠી

ભરૂચ તાલુકાના સિંધોત ગામમાં આવેલી પ્રાથમિક મિશ્ર શાળામાં છેલ્લા દોઢ વર્ષથી શિક્ષકોમાં અંદરો અંદર ચાલતા વિવાદને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ભરૂચ તાલુકાના સિંધોત ગામની પ્રાથમિક મિશ્ર શાળામાં છેલ્લા દોઢ વર્ષથી શિક્ષકોમાં અંદરો અંદર ચાલતા વિવાદને લઈને વિદ્યાર્થીઓનું શિક્ષણ અટકી પડ્યું છે. કેટલાક સમયથી ગ્રામજનો અને ગ્રામ પંચાયત સરપંચ, વોર્ડના સભ્યો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આજદિન સુધી શિક્ષકોનો વિવાદ સમ્યો નથી.

1થી 8 ધોરણ ધરાવતી પ્રાથમિક શાળામાં શિક્ષકોના વિવાદને લઇ ગ્રામજનોએ શાળાનો ઘેરાવો કર્યો હતો. ગ્રામજનોએ જણાવ્યુ હતું કે, શિક્ષકોમાં અંદરો અંદર ચાલતા વિવાદને લઈને 250માંથી માત્ર 78 વિદ્યાર્થીઓ જ હાલ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે, અને બાકીના વિદ્યાર્થીઓ આસપાસના ગામડાઓમાં અભ્યાસ અર્થે જવા મજબૂર બન્યા છે.

ગ્રામજનોએ આ શાળાના તમામ શિક્ષકોની બદલી થાય અને નવા શિક્ષકોની ભરતી થાય તેવી માંગ ઉઠાવી છે. જો આવનાર સમયમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો શાળાને તાળાંબંધી કરવા ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે.