કોસંબાના વડફળિયા ગામમાં ત્રિપલ મર્ડરની ઘટના

પતિ સાથે મળી સાસુ, બહેન, નાનીને પતાવી દીધા

ગુન્હો છુપાવવા મૃતદેહ બેરલમાં મુકી સિમેન્ટ ભર્યો

આરોપીઓની કબુલાતથી ત્રિપલ મર્ડર કેસ ઉકેલાયો

કોસંબામાં પોલીસે 4 વર્ષે મૃતદેહના અવશેષો કાઢ્યા

સુરત જિલ્લાના કોસંબા તાલુકાના વડફળિયા ગામમાં 70 વર્ષીય વૃદ્ધાની હત્યા ઉપરાંત અન્ય 2 મહિલાઓની હત્યાનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. ત્રિપલ મર્ડરની ઘટનામાં પોલીસે હત્યારા દંપત્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વર્ષ 2022 દરમ્યાન કોરોનાકાળમાં સુરત જિલ્લાના કોસંબા તાલુકાના વડફળિયા ગામમાં 70 વર્ષીય વૃદ્ધાની હત્યા ઉપરાંત અન્ય 2 મહિલાઓની થયેલી હત્યાનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ અને સુરતની કોસંબા પોલીસે ઉકેલી નાખ્યો છે. આ ત્રણેય મૃતક મહિલાઓ એકબીજાના નજીકના સગા સંબંધી થાય છે, અને ત્રણેયની હત્યા વૃદ્ધાની દીકરીની દીકરી અને તેના પતિએ મળીને કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

હત્યારા જમાઈ માધવદાસે પોતાની પત્ની ઉર્મિલા સાથે મળીને વૃદ્ધાની હત્યા કરી ઘરના વાડામાં મૃતદેહ દાટી દીધો હતો. હત્યા કર્યા બાદ બન્ને પતિ-પત્ની અમદાવાદના ધોળકા તાલુકાના વાલથેરા ગામમાં રહેતા હતા. જોકે, બન્ને વચ્ચે કોઈ બાબતને લઈને અણબનાવ થતાં છેલ્લાં 9 મહિનાથી અલગ રહેતા હતા.

આ દરમિયાન શાંતાબેનની હત્યાના ગુનામાં માધવદાસે તેની અને સાળાને ફસાવવા માટે અમદાવાદ પોલીસ સમક્ષ અરજી કરી હતી કે, બહેન અને ભાઈએ મળીને વૃદ્ધાની હત્યા કરી છે. જોકે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અરજી અંગે ઉલટ તપાસ હાથ ધરતા સમગ્ર મામલો શંકાસ્પદ જણાયો હતો. તપાસ આગળ વધારતા હત્યાનો ભેદ ઉકેલાયો અને માધવદાસે પત્ની ઊર્મિલા સાથે મળીને શાંતાબેનની હત્યા કર્યાનો ગુનો કબૂલ્યો હતો. પોલીસે આરોપી દંપત્તિને સાથે રાખી સંયુક્ત રીતે સ્થળ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, ખાડો ખોદી એક પોટલું ભરીને વૃદ્ધાના અવશેષો બહાર કાઢવામાં આવ્યા હતા. આ સાથે જ આરોપી દંપત્તિએ અન્ય 2 મહિલાઓની હત્યા કરી હોવાની પણ કબુલાત કરતાં ત્રિપલ મર્ડર કેસ ઉકેલાયો છે.