ગુજરાતની રમત-પ્રતિભાઓ માટે નિર્ણય
સીએમ ભુપેન્દ્ર પટેલે અમલી બનાવી ‘શક્તિદૂત 2.0’ યોજના
રાજ્ય સરકારનો કોમનવેલ્થ 2030નો લક્ષ્ય
9 વર્ષની વયથી જ રમતવીરોને મળશે 50 લાખ સુધીની વાર્ષિક સહાય
રમતવીરોને ‘શક્તિદૂત 2.0’ આપશે વૈશ્વિક મંચનું માર્ગદર્શન
ગુજરાતના રમતવીરો વૈશ્વિક મંચ પર દેશનો ત્રિરંગો લહેરાવવા સજ્જ બન્યા છે. છેવાડાના પ્રતિભાશાળી બાળકોનાં સપનાં આર્થિક સંકડામણ કે યોગ્ય માર્ગદર્શનના અભાવે અધૂરા ન રહે તે હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘શક્તિદૂત 2.0’ યોજના અમલી બનાવી છે.
ગુજરાતના રમતવીરો વૈશ્વિક મંચ પર દેશનો ત્રિરંગો લહેરાવવા સજ્જ બન્યા છે. છેવાડાના પ્રતિભાશાળી બાળકોનાં સપનાં આર્થિક સંકડામણ કે યોગ્ય માર્ગદર્શનના અભાવે અધૂરા ન રહે તે હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘શક્તિદૂત 2.0’ યોજના અમલી બનાવી છે. વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સના લક્ષ્ય સાથે, માત્ર 9 વર્ષની વયથી જ રમત-પ્રતિભાઓને શોધીને રૂપિયા 50 લાખ સુધીની વાર્ષિક સહાય, આંતરરાષ્ટ્રીય કોચિંગ અને અદ્યતન સ્પોર્ટ્સ સાયન્સનો સહયોગ પૂરો પાડવામાં આવશે.
‘શક્તિદૂત 2.0’ અંતર્ગત પારદર્શક પોઇન્ટ સિસ્ટમ દ્વારા 9 વર્ષની કુમળી વયથી જ રમતવીરોની પસંદગી શરૂ કરાઈ છે.આ યોજના હેઠળ વાર્ષિક આર્થિક સહાય રૂપિયા 25 લાખથી વધારીને રૂપિયા 50 લાખ કરવામાં આવી છે. પસંદ થયેલા એથ્લીટ્સને અત્યાધુનિક સ્પોર્ટ્સ કિટ્સ, દેશ-વિદેશમાં વિશેષ તાલીમ અને સ્પોર્ટ્સ મેડિસીન જેવી ઉત્કૃષ્ટ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ રહી છે.
દિવ્યાંગ ખેલાડીઓને સમાન તક આપતા પેરા, ડેફ અને બ્લાઇન્ડ એથ્લિટ્સ માટે રૂપિયા 7 લાખથી રૂપિયા 50 લાખ સુધીની સહાયની જોગવાઈ છે. તાલીમનું સ્તર વધુ સુદૃઢ બનાવવા ખેલાડીઓની સાથે તેમના કોચને પણ વર્ષમાં બે વાર આંતરરાષ્ટ્રીય સ્તરનું એક્સપોઝર અપાય છે. આ ઉપરાંત, જિલ્લા સ્તરે શરૂ થયેલા કોચિંગ સેન્ટર, સ્પોર્ટ્સ સાયન્સ, ફિઝિયો સપોર્ટ અને ડાયેટ ગાઇડન્સ દ્વારા ખેલાડીઓ ઈજા મુક્ત રહી પોતાની શ્રેષ્ઠ ફિટનેસ જાળવી રહ્યા છે.
રાજ્યમાં અત્યાર સુધી 1,358 ખેલાડીઓને રૂપિયા 42 કરોડથી વધુની સહાય ચુકવાઈ છે, જેના પરિણામે ગુજરાતે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે 785 મેડલ હાંસલ કર્યા છે. ટોક્યો અને પેરિસ ઓલિમ્પિક્સ બાદ હવે 2026 એશિયન ગેમ્સ તેમજ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ માટે પણ રાજ્યના ખેલાડીઓ પસંદગી પામ્યા છે. વૈજ્ઞાનિક અભિગમ અને સરકારના મજબૂત પીઠબળથી ગુજરાતના યુવા રમતવીરો હવે વિશ્વવિજય મેળવવા સજ્જ બન્યા છે.
