ભરૂચનું સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર કબીરવડ
કબીરવડનો હોડી ઘાટ બંધ
ગ્રામપંચાયત દ્વારા હોડી ઘાટ બંધ કરાયો
ગ્રામપંચાયત અને સંચાલક વચ્ચે વિવાદ
ભરૂચના વિશ્વપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ કબીરવડની મુલાકાતે જવા ઇચ્છતા પ્રવાસીઓ માટે મુશ્કેલી ઊભી થઈ છે. મંગલેશ્વરથી કબીરવડ જવા માટે કાર્યરત હોડી ઘાટને મંગલેશ્વર ગ્રામ પંચાયત દ્વારા બંધ કરાવવામાં આવતાં વિવાદ સર્જાયો છે.
ભરૂચના સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર કબીરવડ ખાતે ઉપયોગમાં લેવાતો હોડીઘાટ ફરી એકવખત વિવાદમાં આવ્યો છે. મંગલેશ્વરથી નર્મદા નદીમી સામે પાર કબીરવડ જવા માટેનો હોડી ઘાટ છેલ્લા દોઢ વર્ષથી પ્રવાસીઓ માટે અવરજવરનું મહત્વનું માધ્યમ બન્યો હતો પરંતુ મંગલેશ્વર ગ્રામ પંચાયત દ્વારા સર્વે નંબર 851 અને 52ની જમીન ગ્રામ પંચાયતની માલિકીની હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગ્રામ પંચાયતના આક્ષેપ મુજબ, આ જમીન પરત સોંપવામાં આવે તેમજ હોડી ઘાટના સંચાલનની જવાબદારી પણ ગ્રામ પંચાયતને આપવામાં આવે, જેથી તેમાંથી થતી આવકનો ઉપયોગ ગામના વિકાસ માટે કરી શકાય.
આ મુદ્દે આજે મંગલેશ્વર ગ્રામ પંચાયતના સરપંચ પંકજ વસાવા અને સભ્યો દ્વારા હોડી ઘાટ તરફ જતો માર્ગ બંધ કરાવવામાં આવ્યો હતો. ગ્રામ પંચાયતનું કહેવું છે કે વિવાદિત જમીન ગ્રામ પંચાયત હસ્તક આવતી હોવાથી તેનો કબજો પરત મળવો જોઈએ. સાથે જ હોડી ઘાટ ચલાવવાની જવાબદારી પણ ગ્રામ પંચાયતને સોંપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.જોકે, ગ્રામ પંચાયત દ્વારા પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર સમક્ષ સમય આપવાની માંગ પણ કરવામાં આવી છે,આ ઉપરાંત સરકારી બોટ ફાળવવાની પણ માંગ કરાય છે જેથી યોગ્ય વ્યવસ્થા ગોઠવી પ્રવાસીઓને સુરક્ષિત રીતે કબીરવડ સુધી પહોંચાડવાનો માર્ગ નક્કી કરી શકાય.
બીજી તરફ હોડી ઘાટના સંચાલક કમલેશ માછીના જણાવ્યા અનુસાર, જિલ્લા પંચાયત દ્વારા તેમને હોડી ઘાટ ફાળવવામાં આવ્યો હતો અને તેના બદલામાં રૂ.44 લાખની રકમ પણ વહીવટી તંત્રને ચૂકવવામાં આવી છે. તેમ છતાં ગ્રામ પંચાયત દ્વારા લેખિત જાણ કરીને હોડી ઘાટ તાત્કાલિક બંધ કરાવવામાં આવ્યો છે.આ મામલે તેઓ વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરશે. જ્યાં સુધી આ વિવાદનો ઉકેલ ન આવે અને યોગ્ય નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી હોડી ઘાટ બંધ રાખવાની ફરજ પડશે. પરિણામે પ્રવાસીઓને મંગલેશ્વરથી હોડી મારફતે કબીરવડ લઈ જવાની સેવા હાલ બંધ રહેશે.
હવે સૌથી મોટો સવાલ એ છે કે જમીનની માલિકી અને હોડી ઘાટના સંચાલન અંગેનો વિવાદ ક્યારે ઉકેલાશે? એક તરફ ગ્રામ પંચાયત જમીન અને હોડી ઘાટ પર પોતાનો હક દર્શાવી રહી છે, તો બીજી તરફ સંચાલક જિલ્લા પંચાયત દ્વારા ફાળવણી અને ચૂકવેલી રકમનો હવાલો આપી રહ્યો છે. ત્યારે કબીરવડ આવતા પ્રવાસીઓ માટે હોડી સેવા ફરી ક્યારે શરૂ થાય છે, તેના પર સૌની નજર છે.
