માહિતી અધિકાર સપ્તાહ-૨૦૨૬ની ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાજ્ય માહિતી કમિશનર મનોજ પટેલના અધ્યક્ષસ્થાને ‘માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫નું અમલીકરણ અને જવાબદારીનું સુદૃઢીકરણ’ વિષય પર વર્ચ્યુઅલ પરિસંવાદ યોજાયો હતો. જેમાં ભરૂચ, સુરત, તાપી અને નર્મદા જિલ્લાના કલેક્ટરો સહિત વહીવટી તંત્રના અધિકારીઓ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા હતા.

પરિસંવાદમાં RTI અરજીઓનો સમયસર નિકાલ, જાહેર માહિતી અધિકારીઓની જવાબદારીઓ, માહિતી પૂરી પાડવાની પ્રક્રિયા અને પ્રથમ અપીલ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
રાજ્ય માહિતી કમિશનરે પારદર્શક વહીવટ અને નાગરિકો પ્રત્યેની જવાબદારીમાં RTI કાયદાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા સમજાવી હતી. સાથે જ અધિકારીઓને કાયદાની જોગવાઈઓ મુજબ સાચી અને સમયસર માહિતી પૂરી પાડવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં અધિકારીઓએ પ્રશ્નોત્તરી દ્વારા પોતાની મૂંઝવણોનું નિરાકરણ મેળવ્યું હતું.
