ભરૂચ જિલ્લાના આમોદમાં નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે 5થી 6 પશુઓ પકડી પાંજરે પુરાવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં રખડતા પશુઓના પ્રશ્નને લઈને નગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરના જાહેર માર્ગો અને બજાર વિસ્તારોમાં રખડતા પશુઓને કારણે વાહનચાલકો તથા રાહદારીઓને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને નગરપાલિકાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે પશુ પકડવાની કામગીરી હાથ ધરી હતી.

કામધેનુ ગૌ રક્ષા સમિતિ-ભરૂચની ટીમની મદદથી હાથ ધરાયેલી કામગીરી દરમિયાન આશરે 5થી 6 રખડતા પશુઓને પકડી પાંજરે પુરવામાં આવ્યા હતા. પકડાયેલા પશુઓને બાદમાં ભરૂચ પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યા હતા. આમોદ નગરપાલિકા દ્વારા અગાઉ રિક્ષા મારફતે જાહેરાત કરી પશુમાલિકોને પોતાના પશુઓને જાહેર માર્ગો પર રખડતા ન મુકવા સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં જાહેર માર્ગો પર રખડતા પશુઓની સમસ્યા યથાવત રહેતા પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.