ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદનો વિવાદ
મસ્જિદના મૂળ સ્વરૂપને લઈ ચાલી રહ્યો છે વિવાદ
સમગ્ર મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો
જૈન સમાજ દ્વારા પૂજા અંગે પરવાનગી મંગવામાં આવી
મુક્તાનંદ સ્વામીએ કર્યા અનેક આક્ષેપ
ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદના મૂળ સ્વરૂપનો વિવાદ હાઇકોર્ટમાં પહોંચ્યો છે ત્યારે સંત સમિતિના મુક્તાનંદ સ્વામીએ મિલકત ગેરકાયદેસર રીતે પચાવી પડાય હોવાના આક્ષેપ કરાયા છે
ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલો વિવાદ હવે હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. જૈન સમાજના અરજદારો દ્વારા હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને મસ્જિદની અંદરથી મળી આવેલી હોવાનો દાવો કરાતી જૈન મૂર્તિઓને સુરક્ષિત રાખવા તેમજ પૂજા કરવાની પરવાનગી આપવા માંગ કરવામાં આવી છે.
આ સમગ્ર મામલે હવે હિન્દુ સંત સમિતિના મુક્તાનંદ સ્વામીની પ્રતિક્રિયા પણ સામે આવી છે.મુક્તાનંદ સ્વામીએ ઐતિહાસિક જુમ્મા મસ્જિદની મિલકતને લઈને અનેક સવાલો ઉઠાવ્યા છે. તેમના આક્ષેપ મુજબ, આ મિલકત પુરાતત્ત્વ વિભાગની હોવા છતાં તેના પર ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવ્યો છે.તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે વર્ષ 1952માં વડોદરા ખાતે જુમ્મા મસ્જિદના નામે ટ્રસ્ટની નોંધણી કરાવી પુરાતત્ત્વ વિભાગની મિલકત પર કબજો જમાવવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, વર્ષ 2010માં મસ્જિદનું વીજ કનેક્શન અહેમદ મુસાના નામે લેવામાં આવ્યું હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો.મુક્તાનંદ સ્વામીએ જણાવ્યું હતું કે, જો ટ્રસ્ટની નોંધણી ખાનગી વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી હોય, તો માત્ર તેના આધારે જુમ્મા મસ્જિદની મિલકત પર કબજો જમાવી શકાય નહીં.
આ મામલે ભરૂચ નગરપાલિકા અને ભરૂચ સિટી સર્વે સહિતની કચેરીઓમાં ગેરકાયદેસર નોંધણી કરાવવામાં આવી હોવાના પણ તેમણે આક્ષેપો કર્યા છે.આ ઉપરાંત, પુરાતત્ત્વ વિભાગની મિલકતમાં કબ્રસ્તાન અને વુઝૂખાનું ઊભું કરવામાં આવ્યું હોવા છતાં વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવી હોવાનો આક્ષેપ પણ મુક્તાનંદ સ્વામીએ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, આટલી પ્રવૃત્તિઓ થતી હોવા છતાં પુરાતત્ત્વ વિભાગ નિષ્ક્રિય રહ્યું હતું.
હાલમાં આ સમગ્ર મામલો હાઇકોર્ટમાં પહોંચતાં ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદના મૂળ સ્વરૂપ, મિલકતની માલિકી અને ધાર્મિક સ્થળ સાથે જોડાયેલા દાવાઓ અંગે ચર્ચા તેજ બની છે.
