ગાંધીનગર પોલીસ અને સાયબર ક્રાઈમના નામે અપહરણ
IT કંપનીના 3 માલિકનું શાતીર ટોળકીએ કર્યું હતું અપહરણ
50 લાખ માંગી 4 લાખ પડાવ્યા, પત્રકાર સહિત 3 ઝડપાયા
CCTV અને મોબાઈલ લોકેશનના આધારે શખ્સોની ધરપકડ
2 ફરાર શખ્સોને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા
સુરત શહેરના સરથાણા વિસ્તારમાં ગાંધીનગર પોલીસ અને સાયબર ક્રાઈમના નામે વેપારીઓ અને ઉદ્યોગકારોને ડરાવી તોડબાજી કરતી શાતિર ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સરથાણા પોલીસે ગાંધીનગરના પત્રકાર સહિત 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મૂળ અમરેલીના પીઠવાજાળ ગામના વતની અને હાલ લસકાણા-પાસોદરા રોડ ખાતે રહેતા મિહિત દેસાઈ સુરતના મહાવીર ચોક સ્થિત ‘ધ ગેલેરીયા-2’ બિલ્ડિંગમાં ભાગીદારીમાં ઓનલાઇન વેબ-ડેવલપમેન્ટનું કામકાજ કરે છે. ગત તા. 24 ઓક્ટોબરના રોજ મિહિત દેસાઈ પોતાના સ્ટાફ સાથે ઓફિસે હાજર હતા, ત્યારે 3 અજાણ્યા શખ્સો અચાનક ઓફિસમાં ધસી આવ્યા હતા. તે પૈકીના એક શખ્સે મોબાઈલમાં વીડિયો શૂટિંગ શરૂ કરી હાજર તમામ કર્મચારીઓના ફોન બળજબરીથી ઝૂંટવી લઈ દરવાજો બંધ કરી દીધો હતો.
આ ટોળકીએ પોતે ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમમાંથી આવ્યા હોવાનો રોફ જમાવી GST તથા ઓફિસના દસ્તાવેજો માંગ્યા હતા. પેઢી પાસે GST નંબર ન હોવાનું અને માત્ર ભાડા કરાર હોવાનું જણાવતાં જ ટોળકીએ ધમકાવવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ ઓફિસમાંથી એક લેપટોપ જપ્ત કરી મિહિત દેસાઇ અને તેમના ભાગીદાર પ્રણવને બળજબરીપૂર્વક “GOV. OF GUJRAT” લખેલા બોર્ડવાળી કારમાં બેસાડી દીધા હતા.
આરોપીઓએ રૂ. 10 લાખની માંગણી કરી હતી, જેમાં આખરે રૂ. 8 લાખ આપવાનું નક્કી થયું હતું. મિલને પોતાના મોટા ભાઈ અમિતને ફોન કરી નાણાંની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. આરોપીઓએ ઓફિસે રોકેલા પોતાના 2 સાગરીતોને કામરેજ બોલાવી અમિત પાસેથી રોકડા રૂ. 4 લાખ પડાવી લીધા હતા.
નાણાં વસૂલ થઈ જતાં આરોપીઓ ત્રણેય યુવકોને રાજ હોટલ પાસે રસ્તા પર ઉતારીને કાર સાથે નાસી છૂટ્યા હતા. સમગ્ર મામલે સરથાણા પોલીસે CCTV ફૂટેજ અને મોબાઈલ લોકેશન ટ્રેસ કરી ગણતરીના કલાકોમાં ગાંધીનગરના 3 આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ગુનામાં વપરાયેલી ઈનોવા કાર સચિવાલય ખાતે સરકારી કામકાજ માટે ભાડે દોડતી હતી. આ ગુનામાં રાજકોટના રવિ પટેલ નામના અન્ય એક પત્રકાર સહિત 2 શખ્સોને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
