ધોરાજીથી સુરત જતી બસને નડ્યો અકસ્માત

લગ્નની જાન લઈને જતી લકઝરી બસનો અકસ્માત

ટેન્કર અને બસ વચ્ચે સર્જાય ભયંકર ટક્કર

બે લોકોના મોત,30થી વધુ ઇજાગ્રસ્ત થયા

રૂરલ પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી 

ભરૂચના દેરોલ નજીકથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે ભયાનક ટક્કર સર્જાય હતી,આ ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના કરૂણ મોત નિપજ્યા હતા,જ્યારે 30થી વધુ ઇજાગ્રસ્ત થયા  હોવાનું જાણવા મળ્યું હતું.

ભરૂચના દેરોલ નજીક આવેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર 20 નવેમ્બરે વહેલી સવારે આશરે 5:30 વાગ્યાના અરસામાં ધોરાજીથી સુરત જાન લઈને જતી લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર દુર્ઘટનામાં લક્ઝરી બસના ચાલક નવીન દાનાભાઈ ભારાઈ અને ક્લીનર રમેશ ગોવિંદ સોલંકીને ગંભીર ઈજાઓ પહોંચતા બંનેના કરુણ મોત નિપજ્યા હતા.

અકસ્માતની જાણ થતાં જ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક મદદે દોડી ગઈ હતી. ઈજાગ્રસ્તોની સંખ્યા વધુ હોવાથી આસપાસની 7થી 8 એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી. 108ની ઈ.એમ.ટી. અસ્મા મલેકના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળેથી 6થી 7 વર્ષના નાના બાળકો સહિત 30થી વધુ મુસાફરને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.હાલ આ સમગ્ર મામલે ભરૂચ રૂરલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.