નર્મદાના ગરૂડેશ્વરમાં આભ ફાટ્યું
ગરૂડેશ્વરમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ
સાગબારામાં 5.5 ઇંચ ધોધમાર વરસાદ
ધસમસતા વહેણમાં ફસાયેલા યુવકનું રેસ્ક્યુ
ડભોઇનો યુવક પણ પાણીમાં વહી જતા લાપતા
નર્મદા જિલ્લામાં મેઘરાજા આક્રમક મૂડમાં વરસ્યા છે,ગરુડેશ્વરમાં આભ ફાટતા સૌથી વધુ 6 ઈંચ અને સાગબારામાં 5.5 ઇંચ ધોધમાર વરસાદ વરસ્યો છે,જ્યારે બે યુવકો નદીના વહેણમાં તણાતા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
નર્મદા જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજા આક્રમક મૂડમાં જોવા મળ્યા છે. ગરૂડેશ્વર અને સાગબારા ઉપરાંત નાંદોદમાં 4.5 ઇંચ, તિલકવાડામાં 4 ઈંચ અને ડેડિયાપાડામાં 2.5 ઈંચ ભારે વરસાદ નોંધાયો છે. પહાડી વિસ્તારો અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નદી-નાળામાં ઘોડાપૂર આવ્યા છે.
દરમિયાન, પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે બે યુવાનો ફસાયા હોવાની ભયાનક ઘટના સામે આવી હતી.ગરૂડેશ્વર તાલુકાના ઝરીયા ગામે 22 વર્ષીય શશીકાંત તડવી નદીના ભારે વહેણમાં ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ગામના સરપંચ અને TDO સહિતનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. ગ્રામજનો અને તંત્રના સંકલિત પ્રયાસોથી શશીકાંતનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેને સફળ રીતે બહાર કાઢવામાં આવ્યો હતો.
જ્યારે કરજણ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. તેથી રૂલ લેવલ જાળવવા કરજણ ડેમના ગેટ ખોલવામાં આવ્યા હતા અને તબક્કાવાર આશરે 50,000 ક્યુસેક પાણીની છોડવામાં આવ્યું હતું. આ ઉપરાંત કેવડીયા – તણખલા રોડ પર નિર્માણાધિન 4 બ્રીજ પર બનાવેલા ડાયવર્ઝન પરથી પાણી ઓવરટોપીંગ થતા રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.
જોકે, બીજી તરફ ડભોઇ તાલુકાના કોઠારા ગામનો અન્ય એક યુવાન હજુ પણ નદીના પાણીમાં લાપતા હોવાથી સ્થાનિક તંત્ર દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
નર્મદા જિલ્લામાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે. જેથી જિલ્લા તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર મુકાયું છે.
