કાર નિયંત્રણ બહાર જતાં રોડ સાઇડના બ્લોક સાથે અથડાઈને પલટી મારી ગઈ
શોર્ટ સર્કિટના કારણે કારમાં અચાનક ભીષણ આગ લાગી
પત્ની અને ૧ વર્ષના બાળકનું જીવતા સળગી જવાથી મોત; પિતા અને પુત્રનો આબાદ બચાવ
ધોલેરાના ચાંદની ગામ નજીક એક અત્યંત કાળજું કંપાવનારી અને દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. હ્યુન્ડાઈ કારના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતાં કાર રસ્તા પર મૂકેલા બ્લોક સાથે ધડાકાભેર અથડાઈ હતી અને નીચે ખાડામાં પલટી મારી ગઈ હતી. અકસ્માત બાદ શોર્ટ સર્કિટના કારણે કારમાં અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી.
કારમાં એક જ પરિવારના ૪ લોકો સવાર હતા. આગ એટલી ઝડપથી પ્રસરી ગઈ કે અંદર બેઠેલા લોકોને બહાર નીકળવાનો મોકો પણ ન મળ્યો. આ દર્દનાક દુર્ઘટનામાં મહિલા અને તેમના ૧ વર્ષના માસૂમ બાળકનું કારની અંદર જ જીવતા ભડથું થઈ જતાં કરૂણ મોત નિપજ્યું છે.
જ્યારે અન્ય બે સભ્યો (પિતા અને એક પુત્ર)નો સમયસૂચકતા અને સદનસીબે આબાદ બચાવ થયો છે.
ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને ધોલેરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક જ પરિવારના બે માસૂમ જીવ હોમાઈ જતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે.
