રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મુલાકાત

આવતીકાલથી 2 દિવસની મુલાકાત

તૈયારીઓની કરવામાં આવી સમીક્ષા

અંકલેશ્વરના બોરભાઠા ગામની પણ લેશે મુલાકાત

રાત્રી સભા સહિતના કાર્યક્રમ યોજાશે

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવરતની ભરૂચ જિલ્લાની મુલાકાતને લઈ વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે તંત્ર દ્વારા કાર્યક્રમની તૈયારીઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની આવતીકાલથી 2 દિવસ ભરૂચ મુલાકાતને અનુલક્ષીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભરૂચ તાલુકાના હલદરવા અને અંકલેશ્વર તાલુકાના બોરભાઠા ખાતે યોજાનારા કાર્યક્રમોની પૂર્વતૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેક્ટર નવનાથ ગવ્હાણે અને જિલ્લા વિકાસ અધિકારી  યોગેશ કાપસે સહિતના ઉચ્ચ અધિકારીઓએ બંને સ્થળોની રૂબરૂ મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું.

મુલાકાત દરમિયાન અધિકારીઓએ કાર્યક્રમ સ્થળોની ભૌગોલિક સ્થિતિ, સુરક્ષા વ્યવસ્થા અને નાગરિકો માટેની સુવિધાઓની સમીક્ષા કરી હતી. કાર્યક્રમ દરમિયાન પ્રોટોકોલનું યોગ્ય પાલન થાય તેમજ તમામ વ્યવસ્થાઓ સુચારુ રીતે જળવાઈ રહે તે માટે સંબંધિત લાયઝન અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

હલદરવા ખાતે નાયબ કલેક્ટર મનીષા મનાણીએ કાર્યક્રમના આયોજન અને વ્યવસ્થાઓ અંગેની વિગતો રજૂ કરી હતી, જ્યારે બોરભાઠા ખાતે અંકલેશ્વરના નાયબ કલેક્ટરે આયોજન અને પૂર્વતૈયારીઓ અંગે અધિકારીઓને માહિતગાર કર્યા હતા.જિલ્લા કલેક્ટરે બંને સ્થળોએ બેઠક વ્યવસ્થા, સ્ટેજ, મંડપ, પાર્કિંગ, સફાઈ અભિયાન, વૃક્ષારોપણ, રાત્રિ સભા, ગૌદોહન, સભાસ્થળ, મોડેલ ફાર્મની મુલાકાત સહિતની વિવિધ વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત નાગરિકોને કોઈ અગવડ ન પડે અને કાર્યક્રમ સાથે સંકળાયેલા વિવિધ જનહિતલક્ષી અભિયાનો અસરકારક રીતે હાથ ધરાય તે માટે ખાસ ભાર મૂક્યો હતો.