અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઈવે પર અકસ્માત

કેમિકલ ભરેલી આઈસરે ઉભેલી ટ્રકને મારી જોરદાર ટક્કર

ટક્કર થતાં જ વાહનમાં ફાટી નીકળી વિકરાળ આગ

સર્જાયેલી  ઘટનામાં બંને આઈસર ટ્રક બળીને ખાખ

ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરનું આગમાં ભૂંજાઈ જવાથી મોત

દાહોદના નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો હતો,જેમાં પાર્ક કરેલી આઈસરને પાછળથી પૂરઝડપે આવી રહેલી કેમિકલ ભરેલી આઈસર ટ્રકે  જોરદાર ટક્કર મારતા વાહનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી,જેમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા.

દાહોદના અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઈવે પર આવેલ લીમખેડાના પાણીયા પીકઅપ સ્ટેન્ડ નજીક એક ભયાનક રોડ અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર પ્લાયવુડ ભરેલી એક આઈસર ટ્રક ઉભી હતી, ત્યારે પાછળથી પુરઝડપે આવી રહેલી એક કેમિકલ ભરેલી આઈસર ટ્રકે તેને ધડાકાભેર જોરદાર ટક્કર મારી હતી.

અકસ્માતની ટક્કર એટલી ભીષણ હતી કે જોતજોતામાં કેમિકલ ભરેલી ટ્રકમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ એટલી ઝડપથી વધી કે તેણે બંને વાહનોને પોતાની ચપેટમાં લઈ લીધા હતા, જેના કારણે સમગ્ર હાઈવે પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ આગમાં કમનસીબે આઈસર ટ્રકના ડ્રાઇવર અને ક્લીનર જીવંત ભૂંજાઈ જતાં બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. વહેલી સવારે બનેલી આ ઘટના જોઈને આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.

બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ, લીમખેડા પોલીસ અને મામલતદારનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરો દ્વારા ભારે જહેમત બાદ આખરે આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે ક્રેનની મદદથી ટ્રક સીધી કરાવી બંને મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા.

આ ભયાનક અકસ્માતને પગલે નેશનલ હાઈવે પર થોડા સમય માટે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. હાલ લીમખેડા પોલીસે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે.