અંકલેશ્વર પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમો દ્વારા શહેર, જીઆઈડીસી તેમજ હાઇવે વિસ્તારમાં આવેલી હોટલ-રેસ્ટોરન્ટ, મીઠાઈ-ફરસાણની દુકાનો સહિત ખાદ્ય સામગ્રીનું વેચાણ કરતા વેપારી એકમોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
રાજ્યભરમાં ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અને લોકોના આરોગ્યને લઈને તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે ત્યારે હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી બાદ તાલુકા વહીવટી તંત્ર પણ સક્રિય બન્યુ છે. અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મામલતદાર રાજન વસાવા, ડીવાયએસપી ડો.કુશલ ઓઝા, નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે વિવિધ હોટલ-રેસ્ટોરન્ટ તથા ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા એકમોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ. ચેકિંગ દરમિયાન અધિકારીઓ અને ટીમે ખાસ કરીને હોટલ અને રેસ્ટોરન્ટના રસોડા વિભાગ તેમજ સ્ટોરેજ રૂમની ઝીણવટભરી તપાસ કરી હતી. મામલતદારની ટીમ દ્વારા કુલ 7 હોટલોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું જે પૈકી નેશનલ હાઇવે પર અમરતપરા નજીક આવેલ બેનસન હોટલમાં વધુ અસ્વરછતા જણાતા તેને સીલ કરવામાં આવી હતી જ્યારે અન્ય હોટલોને નોટીસ આપવામાં આવી છે. ભવિષ્યમાં પણ આવી અચાનક તપાસો ચાલુ રાખવામાં આવશે અને નિયમભંગ કરનાર એકમો સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.
