ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ગાર્ડન સિટી પાછળ આવેલ જીતાલી ગામની સીમમાં ગાય ઘાસ ચરવા આવતા હાઇટેન્શન વીજ લાઇનનો કરંટ લાગતાં થોડી જ ક્ષણોમાં તરફડીયા મારીને 4 જેટલી ગાયના મોત નીપજ્યા હતા.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેરના ગાર્ડન સીટી પાછળ આવેલ જીતાલી ગામની સીમમાં ખુલ્લી જ્ગ્યામાં ગાય ઘાસ ચરવા જઈ રહી હતી. તે દરમ્યાન ઉપરથી પસાર થતી હાઇટેન્શન વીજ લાઇનમાં અચાનક વીજ પ્રવાહ વધતાં 4 ગાયને કરંટ લાગ્યો હતો, ત્યારે ગાય ચરાવનાર વ્યક્તિએ આ ઘટના પોતાની આંખે જોતાં તે હેબતાઈ ગયો હતો. વીજ કરંટ લાગતાં ચારેય ગાયો જમીન પર પડી જતાં જોત જોતામાં 4 ગાયના મોત નીપજ્યા હતા. ઘટનામાં ગૌધણીએ રૂપિયા 2 લાખથી વધુના પશુધનની નુકશાની વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે સમગ્ર મામલે ગૌધણીએ જે તે વીજ વિભાગના અધિકારી વિરુદ્ધ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.