પાલનપુર એડિશનલ સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
NDPS કેસમાં બે આરોપીઓને 20-20 વર્ષની સખત સજા
કોર્ટે બંને ગુનેગારો પર રૂ.2 લાખનો આકરો દંડ પણ ફટકાર્યો
આરોપી ફહીમ બેગ અને સમીર શેખ ન્યાયના સકંજામાં
વર્ષ 2020માં અમદાવાદ ATSની ટીમે પાલનપુરથી ઝડપ્યા હતા
બનાસકાંઠાના પાલનપુરની એડિશનલ સેશન્સ કોર્ટે એક મોટો ચુકાદો આપતા, NDPS કેસના બે આરોપીઓને 20 વર્ષની જેલની આકરી સજા ફટકારી છે. એટલું જ નહીં, કોર્ટે બંને આરોપીઓ પર બે-બે લાખ રૂપિયાનો આકરો દંડ પણ લગાવ્યો છે.
વર્ષ 2020માં અમદાવાદ ATS ની ટીમને એક સચોટ બાતમી મળી હતી. આ બાતમીના આધારે એટીએસની ટીમે પાલનપુર નજીક વોચ ગોઠવીને મુંબઈનો ફહીમ અઝીમ બેગ અને ઔરંગાબાદનો સમીર અહમદ શેખને કરોડો રૂપિયાના ચરસના જથ્થા સાથે રંગેહાથ ઝડપી લીધા હતા. આરોપીઓ પંજાબના લુધિયાણાથી એક વૈભવી કારમાં આશરે 1 કરોડ રૂપિયાની આંતરરાષ્ટ્રીય કિંમત ધરાવતું 16 કિલો 753 ગ્રામ ચરસ છુપાવીને મુંબઈ તરફ જઈ રહ્યા હતા.
ATSની ટીમે આ બંને શખ્સોને પાલનપુરથી દબોચી લીધા બાદ, આગળની કાયદેસરની કાર્યવાહી માટે પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.આ કેસ કોર્ટમાં ચાલતા, સરકારી વકીલની ધારદાર દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખીને એડિશનલ સેશન્સ કોર્ટે સમાજમાં એક કડક સંદેશ જાય તેવો ચુકાદો આપ્યો છે અને બંને નશાના સોદાગરોને 20-20 વર્ષની સખદ કેદની સજા અને રૂપિયા 2 લાખના દંડની સજા ફટકારીને સલાખોની પાછળ ધકેલી દીધા છે.નશાના આંતરરાજ્ય નેટવર્ક પર કોર્ટના આ પ્રહારથી ડ્રગ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
