વાવ થરાદમાં સરહદી વિસ્તારમાં મેડિકલ સ્ટોરની આડમાં ચાલી રહેલા નશાના કાળા કારોબારનો એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે. વાવ-થરાદ એસઓજીની ટીમે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને રૂપિયા 6.89 કરોડથી વધુની પ્રતિબંધિત માદક દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
વાવ થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના ચોથાનેસડા ગામમાં આવેલા મેડિકલ સ્ટોર્સ અને તેમના ગોડાઉનમાં સામાન્ય તાવ કે દુખાવાની દવાઓની આડમાં આ પ્રતિબંધિત નશાકારક દવાઓનો મોટો જથ્થો છુપાવીને રાખવામાં આવ્યો હતો. એસઓજીની ટીમે બાતમીના આધારે જ્યારે દરોડા પાડ્યા, ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ગોડાઉનમાંથી કરોડો રૂપિયાની પ્રતિબંધિત દવાઓ મળી આવી છે, જેને પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે જપ્ત કરી લેવામાં આવી છે.
આ કાળા કારોબારમાં પોલીસે મુખ્ય બે સૂત્રધારોની ધરપકડ કરી લીધી છે. થરાદમાં મેડિકલ સ્ટોર ચલાવતા મફા રબારી અને ચોથાનેસડા ગામે મેડિકલ સ્ટોર ચલાવતા વિક્રમ રાજપૂતને પોલીસે સકંજામાં લીધા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, ચોથાનેસડાનો વિક્રમ રાજપૂત આ પ્રતિબંધિત દવાઓ થરાદના મફા રબારી પાસેથી ખરીદતો હતો અને ત્યારબાદ આ માદક દવાઓ અન્ય જગ્યાએ છૂટક વેચાણ અર્થે મોકલવામાં આવતી હતી. હાલમાં એસઓજી પોલીસે આ મામલે થરાદ અને માવસરી પોલીસ મથકે બંને આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ કરોડો રૂપિયાની ડ્રગ્સ જેવી દવાઓ ક્યાંથી આવતી હતી અને આ નેટવર્કમાં અન્ય કયા મોટા માથાઓ સામેલ છે.
