Connect Gujarat
Featured

ભવ્ય ભુતકાળ ધરાવતું ભરૂચ, જીંદગી માટે તડપી રહયું છે

ભવ્ય ભુતકાળ ધરાવતું ભરૂચ, જીંદગી માટે તડપી રહયું છે
X

- સ્મશાનમાં મૃતદેહોને જોઇ નર્મદા મૈયા પણ રૂદન કરતાં હોય તેવો માહોલ

- ચિતાઓમાંથી નિરંતર નીકળતો ધુમાડો કોરોનાના કહેરની ગાથા કહી રહયો છે

- પોતાના ઘરોમાં રહો અને સલામત રહો તેવી કનેકટ ગુજરાત તરફથી અપીલ

સૌ પ્રથમ ભરૂચ શહેરના ઇતિહાસના ભુતકાળમાં એક ડોકીયું કરીએ.. પહેલી ફેબ્રુઆરી 1866ના રોજ ભરૂચ શહેરની માપણી કરવાની કામગીરી શરૂ કરાય હતી તે 15 ઓકટોબર 1875ના રોજ પુરી થઇ હતી. તે સમયે શહેર અને પરા મળી કુલ 52.18 લાખ ચોરસવાર જમીન માપવામાં આવી હતી. જેમાં 11.63 લાખ ચોરસવાર જમીન પર ખાનગી મકાનો બંધાયેલા હતાં અને 10.96 લાખ ચોરસવાર જમીનમાં લોકો પાસેથી સમરી સેટલમેન્ટ લેવાતાં હતાં. શહેરની માપણી કરવામાં તે સમયે 1.07 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ ખર્ચ પેટે સરકારને 57,114 અને સુધરાઇને 50,726 રૂપિયા ચુકવાયાં હતાં.ભરૂચમાં 1777માં અંગ્રેજોનું શાસન હતું ત્યારે ભરૂચની વસતી 5,000 લોકોની હતી જેમાં 3,0000 શહેરમાં અને 2,000 લોકો પરમાં રહેતાં હતાં. 1812ના વસતીપત્રક પ્રમાણે શહેરની વસતી 32,716 અને 1881માં 37,281 તથા 1891માં 40,168 માણસોની વસતી નોંધાય હતી.1901માં 42,986 અને 1911માં 43,403 માણસોની વસતી નોંધાય હતી. આજે ભરૂચ શહેરની વસતી 1.80 લાખના આંકડાને પાર કરી ચુકી છે.

સમયના ચક્રની સાથે ભુગૃઋુષિએ વસાવેલું ભરૂચ શહેર તેના સીમાડાઓ વિસ્તારી રહયું છે. શહેરની આસપાસ આવેલાં ગ્રામ્ય વિસ્તારોનું પણ હવે શહેરીકરણ થઇ ચુકયું છે. લોકો પોતાની સુવિધાઓ માટે મકાનો, રસ્તાઓ, બગીચાઓ સહિતની માળખાકીય સુવિધાઓ વિકસાવતો રહયો પણ અણધારી આફતની સ્થિતિને ન પહોંચી વળવા માટે આરોગ્યલક્ષી સુવિધાઓ ઉભી કરવામાં આપણે કયાંકને કયાંક કાચા રહી ગયાં અથવા કુદરત સામે લાચાર હોય તેમ લાગી રહયું છે. હાલ કોરોના વાયરસનો કહેર ચાલી રહયો છે રોજના અસંખ્ય લોકો મોતને ભેટી રહયાં છે. સ્મશાનોમાં વેઇટીંગ ચાલી રહયું છે, દવાખાનાઓ હવે દર્દીઓને દાખલ કરી શકે તેવી સ્થિતિ નથી, ઓકિસજન અને ઇન્જેકશન માટે સ્વજનો દોડધામ કરી રહયાં છે. સ્મશાનગૃહો અને હોસ્પિટલોની બહાર કતારબંધ ઉભી રહેતી શબવાહિનીઓ અને એમ્બયુલન્સ પાષાણહદયી માનવીઓને પણ રડાવી રહી છે. એમ્બયુલન્સની સાયરન હવે માનવ જીવનનો એક ભાગ બની ચુકી છે.

ભરૂચ શહેરની વાત કરવામાં આવે તો ભરૂચમાં કોરોનાથી મોતને ભેટી રહેલાં લોકોની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઇ રહયો છે. ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે ખાસ કોવીડ સ્મશાન બનાવવામાં આવ્યું છે. છેલ્લા એક સપ્તાહથી મૃતદેહોને જોઇ સ્મશાન ખુદ રડી રહયું હોય તેમ લાગી રહયું છે. કોઇ પુત્રી પોતાના પિતાને કોઇ પૌત્ર પોતાના દાદાના નશ્વર દેહને અગ્નિદાહ આપી તેમને મોક્ષ પ્રાપ્તિ થાય તેવી પ્રાર્થના કરી રહયાં છે. પીપીઇ કીટ પહેરેલા સ્વયંસેવકો અને સ્મશાન ખાતે લદાયેલા લાકડાઓને જોઇ ખુદ નર્મદા મૈયા શાંત થઇ ગયાં હોય તેમ લાગી રહયું છે. ખળખળ વહેતા પાવન સલિલા મા નર્મદા પણ મૃતદેહોને જોઇ કદાચ પોતાના વહેવાનું ભુલી સ્થિર થઇ ગયાં હોય તેવો ભાસ થઇ રહયો છે. સ્મશાનમાં સળગતી ચિતાઓમાંથી ઉઠતો ધુમાડો કોરોના મહામારીની વરવી સ્થિતિનો ચિતાર આપી રહયો છે. કોરોનાના ટેસ્ટ કરાવવા માટે લાગતી કતારો, ઓકિસજન માટે તડપતી જીંદગીઓ, પોતાની બુધ્ધિ અને પૈસાના જોરે તમામ સુવિધાઓ ઉભી કરનારો માનવી કોરોના સામે ઘુટણિયે પડી ગયો છે અને મોતનું તાંડવ જોઇ રહયો છે.

વધતાં જતાં શહેરીકરણની સાથે આરોગ્યલક્ષી સુવિધાઓ હવે જરૂરી બની છે. દરેક જિલ્લામાં આધુનિક સુવિધાઓથી સજજ સરકારી હોસ્પિટલ હોવી જોઇએ અને તે સમયની માંગ છે કારણ કે આગ લાગે ત્યારે કુવો ખોદવાથી કયારેય સકારાત્મક પરિણામો મળતાં નથી. ભરૂચમાં વધતાં જતાં કોરોનાના કેસને ધ્યાનમાં રાખી નાઇટ કરફયુ તથા સ્વેચ્છિક લોકડાઉન લગાડવામાં આવ્યું છે પણ હજી લોકોમાં જાગૃતિનો અભાવ છે. ખાસ કરીને મેડીકલ સ્ટોર અને ડેરીઓ પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જો આપણે એક જ વખતમાં જીવનજરૂરીયાતની વસ્તુઓનો સંગ્રહ કરી લઇએ તો વારંવાર ઘરની બહાર નીકળવાની જરૂર નહિ પડે અને હવે દરેક ઘરમાં ફ્રિજ હવે સામાન્ય બની ગયાં છે. સમય અત્યારે તમે ઘરમાં રહો અને સલામત રહો તેમ કહી રહયો છે. કોરોનાથી પીડાતા દર્દીઓ એક એક શ્વાસ અને એક એક ધબકાર માટે વલખા મારી રહયાં છે. ભરૂચમાં આજે શનિવારથી સ્વેચ્છિક લોકડાઉન છે. શનિવારે સવારથી રસ્તાઓ પણ ગણ્યા ગાંઠયા વાહનોની હાજરી હતી અને કેટલીક દુકાનો ખુલ્લી હતી. આપણે હવે વીકએન્ડ લોકડાઉનની આદત પાડવી પડશે નહિ પાડીએ આપણે પણ સંક્રમિત થઇએ તેવી શકયતાઓ વધારે છે. કોરોનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી. વહીવટીતંત્ર અને સરકાર શકય તમામ પગલાં ભરી રહી છે. આ સમય કોઇની ટીકા કરવાનો નથી પણ સહયોગ કરવાનો છે. કનેકટ ગુજરાત પરિવાર પણ આપ સૌને કોરોનાનો ભય રાખ્યાં સિવાય શિસ્ત અને સંયમથી કામ લેવા માટે અપીલ કરે છે.

Next Story