शुभजन्मदिनं तुभ्यम्…………….शुभजन्मदिनं तुभ्यम्………….। 

शुभजन्मदिने तव हे……………..सकलं मधुरं भूयात्…………….। 

शुभजन्मदिनं तुभ्यम्…………….शुभजन्मदिनं तुभ्यम्………….। 

शुभजन्मदिने तव हे……………..सकलं सफलं भूयात्…………….। 

Happy Birthday to you…….Happy Birthday to you…… 

Happy Birthday ShreeDhar Dear…….Happy Birthday to you…. 

ચારે બાજુ જન્મદિવસની શુભેચ્છાઓ સંભળાઈ રહી છે. દેવતાઓ આનંદ કિલ્લોલ કરી રહ્યા છે. યક્ષો, ગાંધર્વો ગાન ગાઈ રહ્યા છે. મરુતો મંદમંદ લહરો પ્રસરાવી રહ્યા છે. ઉર્વશી, મેનકા ઇત્યાદિ અપ્સરાઓ નૃત્ય કરી રહી છે. આખુંય વાતાવરણ રસમય છે, સંગીતમય છે. પુષ્પ પાંખડીની વર્ષા થઇ રહી છે. ભેટ સોગાદોનો તો ઢગલો થઈ ગયો છે. સ્વર્ગના વૈજયંત મહેલની સુધર્મા સભામાં આજે દેવપુત્ર શ્રીધરના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે. પરંતુ, જન્મદિવસના આ ઝગમગાટ વચ્ચે  શ્રીધર ઝાંખો લાગી રહ્યો છે. જન્મદિવસની ઉજવણીમાં પૂજ્ય પિતાશ્રી ઇન્દ્રમહારાજાએ બર્થ ડે વિશ વખતે એના મુખમાં મુકેલો મનપસંદ મોહનથાળનો ટુકડો પણ એને મેથીપાક જેવો કડવો લાગ્યો છે. સો ટકા સુખની સ્માર્ટ સર્વિસ આપતું સ્વર્ગનું વાતાવરણ આજે શ્રીધરને દુઃખના દરિયા જેવું લાગી રહ્યું છે. 

શ્રીધરને ખાતરી હતી કે મન રુપી મહેલમાં મૂંઝવતા આ પ્રશ્નનો જવાબ મારા માતા-પિતા પણ મને નહીં આપે. એનું કારણ સીમ્પલ છે…..સ્વર્ગ હોય કે પૃથ્વી….માતા-પિતા પાસે લગભગ નાના બાળકોના પ્રશ્ન સાંભળવાનો સમય જ  નથી હોતો. 

અને છેવટે દેવપુત્ર શ્રીધરે નોલેજમાં નંબરવન, હિસ્ટ્રીના હેડક્વાર્ટર એવા ઋતુધ્વજને વિડિયોકોલ કર્યો….. 

” હેલ્લો….દેવાત્મા ઋતુધ્વજ….આજે મારા જન્મદિવસે તમને સહસ્ર વંદન ….” શ્રીધરે કહ્યું. 

ત્યારે ઋતુધ્વજ બોલ્યા,  “ હેપ્પી બર્થ ડે….જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ….. શતાયુ ભવ….દીર્ઘાયુ ભવ…સદા ખુશ રહો..” 

 “ ખુશ કેમ રહું ? અરે…છેલ્લા બે – ત્રણ દિવસથી તો મને ખાવાનું પણ ભાવતું નથી..” શ્રીધર ઉવાચ. 

આ સાંભળીને ઋતુધ્વજે પૂછ્યું,  “ અરે… આજે તારો જન્મદિવસ… અને તું આવી વાતો કરે છે, નાહકની આ નિરાશાનું શું કારણ..?? દેવપુત્ર..”  

જવાબના સૂરમાં શ્રીધર બોલ્યો, “ હે દેવાત્મા ઋતુધ્વજ …. હું દરરોજ https://gitaseva.org/home સાઈટ પર શ્રીમદ્ ભાગવત પુરાણનું વાંચન કરું છું અને તેમાં બે દિવસ પહેલાં શ્રીમદ્ ભાગવત પુરાણમાં …. 

ॐ अहो अमीषां किमकारि शोभनं, प्रसन्न एषां स्विदुत स्वयं हरि: । 

यैर्जन्म लब्धं नृषु भारताजिरे, मुकुन्दसेवौपयिकं स्पृहा हि न: ।। ( भागवत….5/19/21 ) 

‘ ભારતમાં જન્મ લેનારનો દેવતાઓ પણ મહિમા ગાય છે  કે જેમણે ભગવાનની સેવાને યોગ્ય મનુષ્યયોનિમાં જન્મ પ્રાપ્ત કર્યો છે. અહો ! એમણે ક્યું પુણ્ય કર્મ કર્યું હશે કે ભરતખંડમાં તેમને મનુષ્ય જન્મ મળ્યો. અમને દેવોને પણ ભારતમાં આ મનુષ્ય જન્મની સ્પૃહા છે.’ 

यद्यत्र नः सर्वसुखावशेषितं स्विष्टस्य सूक्तस्य कृतस्य शोभनम् । 

तेनाजनाभे स्मृतिमज्जन्म नः स्याद् वर्षे हरिर्यद्भजतां शं तनोति ॥  ( भागवत…5/19/28 ) 

‘ અત્યાર સુધી સ્વર્ગસુખ ભોગવી લીધા પછી અમારા પૂર્વે કરેલાં યજ્ઞ, પ્રવચન અને શુભ કર્મોમાંથી જો કાંઈ પણ પુણ્ય બચ્યું હોય તો તેના પ્રભાવે અમને આ ભારતવર્ષમાં ભગવાનના સ્મરણ સહિતનો મનુષ્યજન્મ મળો. કારણ કે શ્રીહરિ પોતાની ભક્તિ કરનારાઓનું સર્વ પ્રકારે કલ્યાણ કરે છે.’ 

આ બંને શ્લોક વાંચ્યા પછી……હું ખૂબ મૂંઝાઈ ગયો છું.   શું સ્વર્ગ કરતાંય આ ભારત દેશનું મહત્વ વધારે છે….??? મારા મનમાં પ્રશ્નોનો પહાડ ઉભો થયો છે કે… ભારત દેશમાં એવું તે શું છે કે દેવતાઓ પણ આ ભારતભૂમિની સ્તુતિ કરે છે…. ??? ભારત દેશમાં એવું તે શું છે કે ત્યાં ભગવાનને પણ અવતરવાનું મન થાય છે…..??? ભારત દેશમાં એવું તે શું છે કે જેનાથી મુક્તિનું દ્રાર ઉઘડે છે……..??? હે દેવાત્મા ઋતુધ્વજ…મારે આજે આપની પાસેથી આ ભારત દેશ વિશે જાણવું છે…”   

ત્યારે ઋતુધ્વજ બોલ્યા, “ ઓકે…. આ તો જીજ્ઞાસામાંથી ઊભો થયેલો પ્રશ્ન… અને તેનો જવાબ તો જ્ઞાન થી જ મળી શકે….વળી, ભારત દેશ વિશે વાત કરતા તો મને પણ ખૂબ આનંદ થશે…. તો સાંભળ ભારત દેશની ભારી ભરખમ વાતો…” એમ કહીને ઋતુધ્વજે ભારત માહાત્મ્ય કથાનું મંગલાચરણ કર્યું….. 

સમગ્ર વિશ્વમાં ભારત દેશની પોતાની એક આગવી એવરગ્રીન છાપ છે. ભારત દેશ જ ભવ્યતાના ભાગ્યથી ભરેલો, દિવ્યતાના દીપથી દૈદીપ્યમાન અને પવિત્રતાના પુષ્પોથી પૂજાયેલો છે.  આ દુનિયામાં ભારત એકમાત્ર એવો દેશ છે કે જેના ચાર નામ છે : ભારત, આર્યવ્રત,  હિન્દુસ્તાન અને ઇન્ડિયા. તેમાં ભારત નામ સૌથી વધારે ફેમસ ફેવરિટ છે. ઇતિહાસ રૂપી ઇન્ડેક્સના ગુગલીંગમાં ભારત નામ ઉપર જ સૌથી વધારે વખત ક્લિક થયું છે. ” ભારત ” શબ્દ જ બોલવામાં ભરેલા રીંગણાના શાક જેવો સ્વાદિષ્ટ, લખવામાં લેખકનું હૃદય ભરી દે એવો વિશાળ અને વર્ણન કરવામાં તો વાંગ્મયી ગિરાના ગિરનાર સમાન સમૃદ્ધ છે. 

‘ ભા ‘ નો અર્થ થાય છે…. આભા, શોભા, પ્રભા, તેજસ્વીતા, ચમક, જ્ઞાન, પ્રસિદ્ધિ. અને  ‘ રત ‘ નો અર્થ થાય છે…. નિરંતર, સંલગ્ન, લીન, પ્રેમી…. એટલે કે ” જે નિરંતર પોતાની શોભાને ચારે દિશાઓમાં ફેલાવવામાં સંલગ્ન છે…..તે ભારત. ” તેમજ  ” જે હંમેશા જ્ઞાનમાં લીન રહે છે, જે સદૈવ જ્ઞાનનો પ્રેમી છે….તેને ભારત કહેવાય. “….  ‘ નામ એવા ગુણ ’ ની સુક્તિ રૂપી માપપટ્ટી વડે જો ભારત દેશને માપવા જઈએ તો ‘  ભારત ’ નામ એકદમ ફિટ બેસી જાય એવું છે.  

પ્રાચીનકાળથી ભારત દેશ પોતાની સંમૃદ્ધિ, સંસ્કૃતિ, સદાચારના ત્રિવેણીસંગમથી સમગ્ર જગતને પખાળી રહ્યો છે. 

અથર્વવેદમાં તો સમગ્ર પૃથ્વીને ભારતમાતાનું બિરુદ આપવામાં આવ્યું છે.  

ભાગવતના પંચમ સ્કંધમાં દ્વીપ વર્ણન નામના 19મા અધ્યાયમાં ભારતદેશ વિશે વિસ્તૃત વર્ણન છે. 

માર્કન્ડેય પુરાણમાં ભારતખંડ વર્ણન નામનો એક આખો અધ્યાય છે. જેમાં ભારત દેશના નવ ભાગનું નિરુપણ છે. 

आर्यावर्त: पुण्यभूमि: मध्यं विन्ध्यहिमालयो: । 

અમરકોશના ભૂમિવર્ગનો આ આઠમો શ્લોક ભારત દેશને પુણ્યભૂમિના પરફેક્ટ પેલેસ તરીકે દર્શાવે છે.  

સ્વામિનારાયણ ભગવાને ખગોળ ભૂગોળના વચનામૃતમાં પણ આ ભરતખંડ – ભારતદેશનો મહિમા સમજાવ્યો છે. 

વિષ્ણુપુરાણની વાણી ભારત દેશને વર્ણવતાં કહે છે કે, 

उत्तरं यत्समुद्रस्य, हिमाद्रेश्चैव दक्षिणम् । 

वर्षं तद् भारतं नाम भारती यत्र संततिः ॥ 

“ સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે જે દેશ આવેલો છે તે ભારત છે….” 

આ ઉપરાંત, એક સુભાષિતમાં તો કહ્યું છે કે….. 

रत्नाकरधौतपदाम् हिमालयकिरीटिनीम् । 

ब्रह्मराजर्षिर्रत्नाढ्यं वन्दे भारतमातरम् ॥ 

“ વિશાળ સમુદ્ર જેના ચરણ પખાળે છે, હિમાલય જેમના મસ્તકનો સરતાજ છે, બ્રહ્મર્ષિઓ અને રાજર્ષીઓ જેનું ઘરેણું છે એવા ભારતમાતાને શત્ શત્ નમન. ” 

વિશ્વના સૌથી મોટા દ્વીપકલ્પ તરીકે ઓળખાતા ભારતનો રળિયામણો દરિયા કિનારો 7516.6 કિ.મી. લાંબો છે. દુનિયામાં સૌથી વધારે પર્વત શ્રુંખલા ભારતમાં આવેલી છે. આ પર્વતમાળાઓ લગભગ 1500 માઇલ સુધી ફેલાયેલી છે, જે 23,600 ફૂટ ઉંચી છે….એમાંય વિશ્વની સૌથી લાંબી પર્વતમાળા ધરાવતો અને સૌથી ઉંચો પર્વત….હિમાલય….જે 60 કરોડ વર્ષ જૂનો છે….જૂનો એટલે કે ઓલ્ડ… ઓલ્ડ ઇઝ ગોલ્ડના ન્યાયે… જાજરમાન સુંદરતા ધરાવતો આ પર્વત પોતાની સૌંદર્ય પ્રતિભાથી પણ વિશ્વવિખ્યાત છે…. અને એમાંય હિમાલયની ‘ફૂલોની ઘાટી ’થી લઈને કન્યાકુમારી સુધી મહોરેલાં 49,૦૦૦ કરતાંય વધુ ફૂલછોડ એની બ્યુટીનેસને બેવડાવી દે છે. 

ભારતની પશ્ચિમે અફાટ રણોનું રણમેદાન છે… 32,87,263 ચોરસ કિ.મી. ધરતી પર પથરાયેલો ભારત દેશ વિશ્વનો સાતમા ક્રમનો મોટો દેશ છે… ગંગા, યમુના, બ્રહ્મપુત્રા, નર્મદા અને કાવેરી જેવી નદીઓના જળથી ઝળહળતા આ દેશનું હવામાન અનેક વિવિધતા ધરાવે છે… એક જ દેશમાં કાતિલ ઠંડી અને ગરમી આશ્ચર્ય ઉપજાવે છે… તો વિશ્વમાં જ્યાં સૌથી વધુ વરસાદ પડે છે, તે ચેરાપુંજી ભારતમાં જ છે… અનેક ઋતુઓ અને વિવિધ આબોહવા વચ્ચે ભારતમાં કુલ 81,251 ભાતનાં પશુપંખીઓ – જંતુઓ વસે છે… પુરાણપ્રસિધ્ધ આ ભરતખંડ પ્રથમથી જ પ્રકૃતિનટીનું રમણીય સ્થાન પ્રાપ્ત કરી ચૂકેલ છે… પ્રકૃતિદેવીએ પોતે જ એને પોતાના નિવાસસ્થાનરૂપે બનાવ્યો હોય એમ આપણને એની ચતુર્દિશામાં નજર કરતાં પ્રતીત થાય છે.…. 

ઉત્તરે હિમાચ્છાદિત, અલૌકિક રૂપરાશિ સમાન પર્વતરાજ, 

દક્ષિણે નીલાભામય હિંદ જલનિધિ; 

પશ્ચિમે દ્વારકાધીશના ચરણપ્રક્ષાલન કરતો અરબીસિંધુ,  

અને પૂર્વે બંગાળનો શ્યામ ઉપોદધિ.  

વચ્ચે કાલિંદી અને યમુનાના અત્યંત પવિત્ર નીર, 

સહ્યાદ્રિ અને ગિરનારની અનુપમ શોભા;  

નર્મદા અને નાશિકના પ્રસિધ્ધ શાંતિધામો; 

પૂર્વઘાટ અને પશ્ચિમઘાટ વચ્ચેનો કુદરતી રમણીય પ્રદેશ,  

તથા ઉત્તરે જગતનુ સ્વર્ગ કાશ્મીર.  

કુદરતે પોતાના તમામ રંગોની રંગોળી પૂરીને ભારત દેશની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા છે. વિશ્વના તમામ દેશોના હવામાન કરતાં ભારતીય હવામાન સારું છે. જેનું કારણ છે કે માત્ર એક ભારત દેશમાં જ પ્રમુખ રૂપથી ચાર ઋતુઓનું ઋતુચક્ર નિયમિત રૂપે કાર્ય કરે છે. 

મહાભાગ્યશાળી આ ભરતખંડનું બાહ્યસ્વરૂપ જેટલું ભવ્ય અને મનોહર છે, એટલુ જ એનું આંતરિક સૌંદર્ય પણ અભિરામ અને આભામય છે. કારણ કે, સનાતન શાસ્ત્રોના શાશ્વત શબ્દોમાં હ્રદયાંકિત થયેલો ભારત દેશ પવિત્રતાની પારાશીશીમાં પારસમણિ સમાન છે. પિત્ઝા અને વીઝા બાબતે સુખ સુવિધામાં સિકંદરી સિંહાસન પર બેસનારા પશ્ચિમી દેશો પવિત્રતાના પેપરમાં પાસીંગ માકર્સ પણ લાવી શકતા નથી. જ્યારે, ભારત દેશ તો પવિત્રતાના પંથનો પથદર્શક છે….સમસ્ત જગતમાં સભ્યતાના વિસ્તાર કરવાનું શ્રેય – ધ્યેય આ દેશના પાયામાં પૂરાયેલું છે. 

સમગ્ર વિશ્વમાં ભારત એકમાત્ર એવો દેશ છે કે જેને ‘ માતા ’ તરીકેનું બિરુદ પ્રાપ્ત થયું છે. ભાગ્યશાળી છે ભારતીયો કે… તેઓ ગૌરવથી બોલી શકે છે કે, “  ભારતમાતા કી જય ”… હકીકતમાં જોવા જઈએ તો…. ભારતદેશ સમગ્ર વિશ્વની માતા છે.… ભારતમાતાના ગર્ભમાંથી માનવીનો જન્મ થયો… ભારતમાતાના ખોળે તેનો ઉછેર થયો અને ભારતમાતા પ્રદત્ત પોષણથી તેનો વિકાસ થયો… અમેરિકાના ઇતિહાસવિદ્, લેખક વીલ ડુરાન્ટ કહે છે કે, “ પૃથ્વી પરની સકળ જાતિઓની માતૃભૂમિ ભારત છે અને તમામ ભાષાઓની જનની સંસ્કૃત. ભારત આપણી પશ્ચિમી ફિલસૂફીની માતા છે. ગણિતશાસ્ત્રની પણ માતા છે. લોકશાહી અને ગણતંત્રની પણ માતા છે. અનેક રીતે જોઈએ તો ભારતમાતા આપણા સૌની માતા છે…” 

વિશ્વ અને ભારતના તમામ ગ્રંથો માને છે કે માણસનું મૂળ ભારતમાં છે. વેદો અનુસાર, પૃથ્વી પર માનવ વસ્તી પ્રજાપતિઓના પુત્રોમાંથી આવી છે.  પૃથ્વી પરના તમામ મનુષ્યો પ્રજાપતિઓના બાળકો છે. પ્રથમ સૃષ્ટ્રિકર્તા માનવી સ્વયંભુ મનુ છે. 

ભારત દેશ તો સંસ્કૃતિનું પારણું છે. ભારતીય સંસ્કૃતિ વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિઓમાં પ્રથમ ક્રમે છે. 5000 વર્ષ પહેલા જ્યારે ઘણી સંસ્કૃતિઓ વનવાસી હતી, ત્યારે ભારતીયોએ સિંધુ ખીણમાં હડપ્પન સંસ્કૃતિની સ્થાપના કરી… માનવીના વિકાસમાં અને સંસ્કૃતિના સર્જનમાં નદીઓનો ફાળો મસમોટો છે. માણસો અને પશુ-પંખીઓ માટે નદીઓએ સંજીવની પૂરી પાડી છે. ગાઢ જંગલોમાં નદીઓએ રસ્તાની ખોટ પૂરી પાડી છે. એથી જ તો જગતભરની પ્રાચીનમાં પ્રાચીન સંસ્કૃતિઓ નદી-કિનારે વિકસી હતી. 

જગતની સંસ્કૃતિઓનાં ચાર કેન્દ્રો લેખાય છે : 

1.સિંધુ-ગંગા-યમુનાનો ધનધાન્યભર્યો પ્રદેશ – હિન્દુસ્તાન – ભારતવર્ષ. 

2.નાઈલ નદીનો ફળદ્રુપ પ્રદેશ,  

3.યુક્રેટિસ અને તૈગ્રિસનો હરિયાળો પ્રદેશ મેસોપોટેમિયા અથવા ઈરાક,  

4.હો આંગ હો તેમજ યાંગ-સે ક્યાંગનો ભર્યોભર્યો પ્રદેશ ચીન…… 

જેમાં સિંધુ-ગંગા-યમુનાના કિનારે વિકસેલી ભારતીય સંસ્કૃતિ સૌથી વધારે પ્રાચીનતમ અને મૂળભૂત છે. 

Ignited Minds નામના પુસ્તકના પાંચમાં પ્રકરણમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામ સાહેબ લખે છે, “ આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ સમયથી પર છે. તે ઇસ્લામના આગમન પહેલાની છે; તે ખ્રિસ્તી ધર્મના આગમન પહેલાની છે. તમે જોઈ શકો છો કે, શરૂઆતના ખ્રિસ્તીઓએ નિશ્ચય સાથે આ ભારતીયતા જાળવી રાખે છે, તેમની પરિણીત મહિલાઓ મંગળસૂત્ર પહેરે છે અને તેમના પુરુષો કેરળની શૈલીમાં ધોતી પહેરે છે.” 

ભારત દેશે જ સમગ્ર સમાજને – વિશ્વને હિંદુધર્મ દ્વારા ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ચાર પાયા પર રચાયેલી સામાજિક જીવન વ્યવસ્થા આપી. ભારત દેશે યજ્ઞીયપરંપરા, ચાર આશ્રમ, ચાર પુરુષાર્થ, સોળ સંસ્કાર, આચાર-વિચાર-સદાચાર, કૌટુંબિક જીવન, આતિથ્ય સત્કાર, ઉત્સવો….વગેરે દ્વારા સમસ્ત વિશ્વના માનવ માત્રને સંપૂર્ણ જીવન પ્રણાલિકા આપી…..એટલા માટે જ, આજે વિશ્વની તમામ ધાર્મિકસંસ્કૃતિ અને સભ્યસમાજમાં હિન્દુ ધર્મની ઝલક જોઈ શકાય છે. 

હજારો વર્ષ પહેલા વિચરતા વનવાસી તરીકે ભિન્ન ભિન્ન  વિચારધારાથી સ્વચ્છંદ જીવન જીવતા વિશ્વના લોકો પાસે ન તો કોઈ 

શાસનની સ્પષ્ટ પદ્ધતિ હતી કે ન તો કોઈ સામાજિક વ્યવસ્થા…. ત્યારે ભારત દેશે સમગ્ર વિશ્વને સામાજિક સંગઠન અને કૌટુંબિક પ્રથાની ભેટ આપી…ઉલ્લેખનીય છે કે ભારતીયો પ્રાચીન કાળથી એક વિશાળ અને વિશેષ સમુદાયમાં ઉછર્યા છે. 

યોગીઓના યોગ વડે, તપસ્વીઓના તપ વડે અને ભક્તિમય સાધુ સંતોના ભજન વડે આ ભૂમિનું પોષણ થયેલું છે.  

ભારત દેશે સમગ્ર વિશ્વને  ‘ મનુષ્યજન્મનો હેતુ કલ્યાણની પ્રાપ્તિ કરવાનો છે ’ એવો અભૂતપૂર્વ સંદેશ આપ્યો. 

ભારત એકમાત્ર એવો દેશ છે કે, જ્યાં વિવિધ ધર્મોના લોકો એકતાથી એકસાથે રહે છે.  હિન્દુ, બૌદ્ધ, જૈન અને શીખ ધર્મનો જન્મ ભારતમાં થયો છે. 

સુપ્રસિદ્ધ અમેરિકન લેખક, માર્ક ટ્વેઇન કહે છે કે, “ ધર્મની બાબતે માત્ર એક ભારત જ લક્ષાધિપતિ છે. ભારત એવી ભૂમિ છે જે ભૂમિને જગતના સઘળા મનુષ્યો જોવા ઇચ્છે છે. જો કોઈ મનુષ્ય તેની માત્ર એક ઝલક જ પામ્યો હોય તો તે સમસ્ત વિશ્વનું દર્શન કરવા છતાં એ ઝલક ભૂલી શકતો નથી.” 

વિશાળ ભારત દેશમાં વિવિધ બોલીઓ બોલતાં ભાતભાતના લોકો વસે છે. એક જ દેશમાં વસતી વિવિધ માનવજાતિનો આ વિશ્વવિક્રમ છે. અનેક વિવિધતામાં પણ  એક જ ડાળના પંખીની જેમ સૌ એક સંસ્કૃતિના તાણાવાણામાં વણાયેલાં છે. અને દરેકનું મન એક જ વાત કહે છે: સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા. 

વેદ માનવ સંસ્કૃતિનો લગભગ સૌથી જૂનો લેખિત દસ્તાવેજ છે. ઋગ્વેદને માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વમાં સૌથી પ્રાચીન ધાર્મિક ગ્રંથ હોવાનું સન્માન છે. આ ઋગ્વેદ સરસ્વતી નદીના કિનારે બેસીને ભારતીયોએ જ લખ્યો. વેદ પર આધારિત ધર્મ સનાતન વૈદિક અથવા હિન્દુ ધર્મ કહેવાય છે….ઋગ્વેદ પછી યજુ, પછી સામ અને પછી અથર્વ… એવી રીતે વેદોના ચાર વિભાગ થયા…વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથો ચાર વેદ ઋગવેદ-યજુર્વેદ-સામવેદ-અથર્વવેદ…..તેમાં જીવનના આરંભથી માંડીને અંત સુધીનો સાર આપવામાં આવ્યો. 

વેદ ઉપરાંત ઉપનિષદ, સૂત્રગ્રંથો, પુરાણ, અગત્સ્યસંહિતા, ભૃગુસંહિતા, ચરકસંહિતા, સુશ્રુતસંહિતા, વિમાનશાસ્ત્ર, પરમાણુશાસ્ત્ર, શરીરશાસ્ત્ર, ગર્ભશાસ્ત્ર, રક્તભિસરણશાસ્ત્ર, ઔષધિશાસ્ત્ર, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, ચાણક્યનીતિ, વિદુરનીતિ…જેવા નીતિ ગ્રંથો, યોગસૂત્ર, યોગસાર, યોગાષ્ટક, કથાસરિત્સાગર, પંચતંત્ર, હિતોપદેશ, સિંહાસન બત્તીસી, વિક્રમવેતાલ – પચીસીની વાર્તાઓ, તેનાલીરામ, શુકસપ્તતિ, જાતકકથાઓ, સંસ્કૃતસુભાષિત, ત્રિપિટક, જૈનસૂત્ર, સિદ્ધાંતશિરોમણી, રસરત્નાકર, રસેન્દ્રમંગલ, કક્ષપુટતંત્ર, આરોગ્યમંજરી, અષ્ટાધ્યાયી, સમયસાર, લીલાવતી, કરણકુતૂહલ, વચનામૃત, નિષ્કુળાનંદકાવ્ય, સત્સંગીજીવન વગેરે જેવા લાખો પુસ્તકો ભારત દેશની પૃષ્ઠભૂમિ પર લખાયા છે, જેના આધારે આજે વિજ્ઞાન, ટેકનોલોજી, અદ્યતન જીવનધોરણના તમામ ક્ષેત્રોમાં પ્રગતિ થઈ રહી છે… દુનિયાના સૌથી વિશાળ અને પ્રાચીન મહાકાવ્યોમાં રામાયણ અને મહાભારત પ્રથમ સ્થાને છે…જેમાં શ્રીમદ ભગવદ્ ગીતા જીવનનો અનોખો સંદેશ આપે છે. 

દુનિયાની સૌથી પ્રાચીન અને સમૃદ્ધ ભાષા છે….સંસ્કૃત, તેની ઉત્પત્તિ ભારત દેશમાં થઈ. દુનિયાની ભલભલી ભાષાને ભૂ પાઈ દે તેવી આ સંસ્કૃતભાષાની વિશેષતાઓ વર્લ્ડફેમેસ છે. સંસ્કૃત ભાષા દેવોની ભાષા કહેવાય છે. એ ઉપરાંત, સંસ્કૃત વિશ્વની તમામ ભાષાઓની માતા છે. કેટલીક બોલીઓએ સંસ્કૃતના આધારે પોતાનો વિકાસ કર્યો અને તે પણ એક ભાષા બની. સંસ્કૃતમાંથી પાકૃત ભાષા જન્મી અને ત્યારબાદ તે અપભ્રંશ થઇ, જેમાંથી જુદી-જુદી ભાષાઓ જન્મી. 

લિપિમાં લખવાની પ્રથા ભારતમાં જ શરૂ થઈ. બ્રાહ્મી અને દેવનાગરી લિપિ પ્રાચીન ભારતમાં પ્રચલિત હતી. તેમાંથી, વિશ્વભરની અન્ય લિપિઓનો જન્મ થયો.  બ્રાહ્મી લિપિ એક પ્રાચીન લિપિ છે જેમાંથી ઘણી એશિયન લિપિઓ વિકસી છે.  મહાન સમ્રાટ અશોકે બ્રાહ્મી લિપિનું નામ ધમાલિપી રાખ્યું.  બ્રાહ્મી લિપિ દેવનાગરી લિપિ કરતાં જૂની માનવામાં આવે છે. હડપ્પન સંસ્કૃતિના લોકોએ આ લિપિનો ઉપયોગ કર્યો, પછી સંસ્કૃત ભાષા પણ આ લિપિમાં લખવામાં આવી. સંશોધકોના જણાવ્યા મુજબ દેવનાગરી, બાંગ્લા લિપિ, ઉડિયા લિપિ, ગુજરાતી લિપિ, ગુરૂમુખી, તમિલ લિપિ, મલયાલમ લિપિ, સિંહલા લિપિ, કન્નડ લિપિ, તેલુગુ લિપિ, તિબેટીયન લિપિ, રંજના, પ્રચલિત નેપાળ, ભૂંજીમોલ, કોરિયાલી, થાઈ, બર્મેલી, લાઓ , ખ્મેર બ્રાહ્મી લિપિ બધી જાપાનીઓ જેવી કે જાવાનીઝ, ખુદાબાદી લિપિ, ગ્રીક લિપિ વગેરેની માતા બ્રાહ્મી લિપિ છે.   

સર્વ પ્રથમ ભગવત્ પૂજા અને દેવાગૃહ – મંદિરની શરૂઆત ભારતમાં થઈ. ઈશ્વર પૂજન-અર્ચનની વિધિ મૂળભૂત રીતે ઇ.સ. 5000 કે તેથી વધુ વર્ષો પૂર્વે પ્રાચીન ભારતની જંગલમાં વસતી જનજાતિએ શરૂ કરી હતી. આર્ય સંસ્કૃતિએ આ પૂજા-અર્ચનવિધિ તેમની પાસેથી સ્વીકારી. તેથી, જ તો ૠગ્વેદ (ઇ.સ.પૂર્વે ૩૫૦૦)ના સમયમાં આર્યો ઇન્દ્ર, યમ, વરૂણ, સૂર્ય અને ઉષાની આરાધના કરતા હતા. સમય જતાં પરમેશ્વરનાં પૂજન-વંદન-કીર્તન માટે દેવાલય મંદિરોની સ્થાપના થઈ… અને આ ભક્તિમાર્ગનો પ્રવાહ સમગ્ર વિશ્વમાં વહેવા લાગ્યો. 

સમગ્ર વિશ્વને ઉત્સવો અને તહેવારો ઉજવવાની પ્રણાલી ભારતે આપી… ભારત એટલે વ્રત, ઉત્સવ અને તહેવારોની તેજોમય ભૂમિ…સૌથી વધારે તહેવાર ઉત્સવો ભારતમાં જ ઉજવવામાં આવે છે. હોળી, દિવાળી, જન્માષ્ટમી, રામનવમી, શિવરાત્રી, ગણેશચતુર્થી, નવરાત્રી, દશેરા… વગેરે ભારતમાં ઉજવાતા ઉત્સવો વિશ્વભરમાં પ્રખ્યાત છે. એ ઉપરાંત, ભારતે સમગ્ર વિશ્વને કડવાચોથ નામનો એક એવો તહેવાર આપ્યો કે જેમાં પત્ની પોતાના પતિના દીર્ઘાયુ માટે વ્રત રાખે છે અને પ્રાર્થના કરે છે …આવું વ્રત કે આવો તહેવાર વિશ્વના અન્ય કોઈ દેશ પાસે નથી…આ જાણીને ભારતીય પતિદેવોએ પોતાની પત્નીના આકરાં સ્વભાવને સહન કરીને પણ થોડું ઘણું આનંદમાં રહેવા જેવું ખરું.