સુરેન્દ્રનગર શહેરમાં ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ગણતરીના સમયમાં ઉકેલી દીધો છે. નુરેમોહમદી સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરનાર બે આરોપીઓને એ ડિવિઝન પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
સુરેન્દ્રનગરના નુરેમોહમદી સોસાયટી વિસ્તારમાં રાત્રિના સમયે બંધ મકાનમાં તસ્કરોએ રોકડા ₹20 હજાર અને ચાંદીની વસ્તુઓ સહિત કુલ ₹46 હજારની ચોરી કરી હતી. ઘટનાની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન પોલીસે મહેશ પ્રવેશભાઈ શર્મા અને હાર્દિક ભરતભાઈ સતાપરાની ધરપકડ કરી હતી. તપાસમાં સામે આવ્યું કે આરોપી મહેશ નુરેમોહમદી સોસાયટીમાં જ રહેતો હોવાથી તેને વિસ્તારની સંપૂર્ણ જાણકારી હતી અને તેણે જ આ ઘરને નિશાન બનાવ્યું હતું.
પોલીસે બંને આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ બંને આરોપીઓ અન્ય કોઈ ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
