વિશ્વ આદિવાસી દિવસે બન્યો હતો બનાવ
ટોળાએ પોલીસ પર કર્યો હતો પથ્થર મારો
પરમિશન વગર ડીજે લાવવા બાબતે થઈ હતી બબાલ
ચાર પોલીસકર્મી ગંભીર રીતે થયા હતા ઘાયલ
આપના નેતાઓ સહિત 200ના ટોળા સામે કાર્યવાહી
દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે પોલીસ પર હુમલાની ઘટનામાં આમ આદમી પાર્ટીના નેતાઓ સહિત 14 સામે ગુનો નોંધીને 13 આરોપીઓની ધરપકડ કરી છે.જ્યારે 200ના ટોળા સામે પણ કાર્યવાહી શરૂ કરી છે.
દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ગંભીર ઘટના સામે આવી હતી! પરમિશન વગર ડીજે ઘુસાડવાના મામલે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને સ્થાનિકોએ પોલીસ સાથે સીધી બબાલ કરી હતી.
ગાડીઓની આડમાં રસ્તો રોકી, પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હિંસક પથ્થરમારામાં એ-ડિવિઝનના 1 PSI, 2 મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને 1 પોલીસ કોન્સ્ટેબલ ગંભીર રીતે ઘવાયા છે.
પોલીસ પર હુમલો કરનારા તત્વો સામે હવે કાયદાનો કોરડો વિંજાયો છે!PSI ધર્મેશ લાડની ફરિયાદના આધારે દાહોદ રૂરલ પોલીસે BNSની 9 જેટલી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. જેમાં રાયોટિંગ, ગેરકાયદે મંડળી રચવી, ઘાતક હથિયારો સાથે તોફાન કરવું અને જાહેરનામાના ભંગ જેવી કલમોનો સમાવેશ થાય છે.
આ મામલે પોલીસે આપના 10 હોદ્દેદારો સહિત 14 લોકો સામે નામજોગ અને 200ના ટોળા સામે એફઆઈઆર નોંધી છે. રૂરલ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને 13 આરોપીઓની અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે, જ્યારે એક નામજોગ આરોપી હજુ ફરાર છે. સીસીટીવી અને મોબાઈલ કેમેરાના ફૂટેજ આધારે અન્ય હુમલાખોરોની ઓળખ કરવાની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે.
