ભરૂચના આમોદ નજીકનો બનાવ

આમોદના દાદાપોર ગામ નજીકનો બનાવ

સ્કૂલ વેન પલટી જતા દોડધામ

10 વિદ્યાર્થીઓને ઇજા

સારવાર અર્થે ખસેડાયા

ભરૂચના આમોદના દાદાપોર ગામ નજીક સ્કૂલ વેન પલટી જતા દોડધામ મચી જવા પામી હતી.અકસ્માતમાં 10 જેટલા વિદ્યાર્થીઓને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

ભરૂચના આમોદ તાલુકાના દાદાપોર ગામથી આમોદની શાહ એન.એન.એમ. ચામડિયા હાઈસ્કૂલમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને લઈ જતી મારુતિ વાન આજે અકસ્માતનો ભોગ બની હતી. સ્કૂલેથી છૂટ્યા બાદ વિદ્યાર્થીઓને પરત દાદાપોર લઈ જતી વેળાએ વાન રસ્તાની સાઈડમાં આવેલા ખાડામાં પલટી  ગઈ હતી.

વાનમાં દાદાપોર ગામના 10 જેટલા વિદ્યાર્થીઓ રોજ અપડાઉન કરતા હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. અકસ્માત બાદ વિદ્યાર્થીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને નાની-મોટી ઇજાઓ થતાં તમામને સારવાર માટે આમોદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

વાનનો ડ્રાઇવર નશાની હાલતમાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.અકસ્મતમાં પ્રતિજ્ઞા ઠાકોર નામની વિદ્યાર્થીનીને છાતીના ભાગે ઇજા થતાં વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવી હતી.બનાવ અંગે આમોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.