કારીયાણી ગામમાં 250 વર્ષ જૂની પરંપરા યથાવત

બેસતા વર્ષે ગામમાં દોડાવાયા ગાયોનાં ધણ

ગાયોની રજથી ગામમાં સુખ-શાંતિ રહેતી હોવાની પ્રગાઢ માન્યતા

નવા વર્ષના શુકન લેવા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટ્યા

ગાયોની દોડની સાથે આકર્ષક અશ્વ હરીફાઈ પણ યોજાઈ

સુરેન્દ્રનગર જિલ્લાના કારીયાણી ગામમાં બેસતા વર્ષના દિવસે અંદાજે 250 વર્ષ જૂની એક એવી જ શ્રદ્ધા અને પરંપરા જોવા મળી, જ્યાં નવા વર્ષના શુકન મેળવવા માટે ગાયોનાં ધણ દોડાવવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના કારીયાણી ગામમાં બેસતા વર્ષના દિવસે અંદાજે 250 વર્ષ જૂની એક એવી જ શ્રદ્ધા અને પરંપરા જોવા મળી, જ્યાં નવા વર્ષના શુકન મેળવવા માટે ગાયોનાં ધણ દોડાવવામાં આવ્યા હતા.આ વિશેષ પરંપરાને નિહાળવા માટે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા.

આજના આધુનિક યુગમાં પણ સુરેન્દ્રનગર જિલ્લાના બોટાદનું કારીયાણી ગામ પોતાની સદીઓ જૂની સંસ્કૃતિને પૂરા ઉત્સાહથી જાળવી રહ્યું છે. બેસતા વર્ષના પાવન અવસરે ગામમાં અનોખો માહોલ જોવા મળ્યો હતો. ગામના યુવાનો અને વડીલો દ્વારા ઢોલ-નગારાના તાલે અને આતશબાજીની રોનક સાથે ગાયમાતાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

પરંપરા મુજબ ગામની સીમમાં ગાયોનાં ધણ એકસાથે દોડાવવામાં આવ્યા હતા. ગ્રામજનોની એવી આસ્થા અને માન્યતા છે કે નવા વર્ષના દિવસે ગાયોના ચરણોની રજ ઊડે અને તે ગામમાં આવે તેનાથી સમગ્ર વર્ષ દરમિયાન ગામમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ખુશહાલી જળવાઈ રહે છે. આ માન્યતા સાથે ગ્રામજનોએ વર્ષોથી ચાલી આવતી આ રીતિ-રિવાજને નિષ્ઠાપૂર્વક અદા કરી નવા વર્ષના શુકન લીધા હતા.

આ વિશેષ આયોજન દરમિયાન માત્ર ગાયોની દોડ જ નહીં, પરંતુ ગ્રામીણ સંસ્કૃતિને ઉજાગર કરતી ભવ્ય અશ્વ હરીફાઈ પણ યોજાઈ હતી. આ અનોખા ઉત્સવને જોવા માટે વહેલી સવારથી જ યુવાનો, મહિલાઓ અને વડીલો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહભેર નવા વર્ષની શરૂઆત કરી હતી.