મહેનતની કમાણી પળવારમાં સાયબર ઠગો પડાવી લે ત્યારે સામાન્ય માણસ લાચાર બની જાય છે. પીડિતોની આ વેદના પારખી ગુજરાત પોલીસે 1930 હેલ્પલાઇન દ્વારા ‘e-Zero FIR’ વ્યવસ્થા અમલમાં મૂકી છે.
મહેનતની કમાણી પળવારમાં સાયબર ઠગો પડાવી લે ત્યારે સામાન્ય માણસ લાચાર બની જાય છે. પીડિતોની આ વેદના પારખી ગુજરાત પોલીસે 1930 હેલ્પલાઇન દ્વારા ‘e-Zero FIR’ વ્યવસ્થા અમલમાં મૂકી છે. રૂપિયા 10 લાખથી વધુની ઓનલાઇન છેતરપિંડીના કિસ્સામાં હવે ઘરેબેઠા જ સીધી FIR નોંધી, લૂંટાયેલી રકમ ઝડપથી પરત અપાવવામાં આવે છે. સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકો માટે 1930 હેલ્પલાઇન અને ‘e-Zero FIR’ની આ સુવિધા આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ગુનાની ત્વરિત નોંધણી થવાથી પીડિતોના નાણાં પરત મેળવવાની પ્રક્રિયા અત્યંત ઝડપી અને સરળ બની ગઈ છે.
છેતરપિંડી થતા જ 1930 પર કોલ કરવાથી ફરિયાદ સીધી સંબંધિત પોલીસ સ્ટેશને પહોંચી જાય છે. પોલીસ ટીમ તાત્કાલિક બેન્કો સાથે સંકલન સાધી ઠગોના ખાતા ફ્રીઝ કરાવી દે છે. તાજેતરમાં જ, અમદાવાદમાં રૂપિયા 2.30 કરોડ ગુમાવનાર પીડિતને પોલીસે ગણતરીના દિવસોમાં રૂપિયા 1.63 કરોડ પરત અપાવ્યા હતા. તેથી જ સાયબર ફ્રોડ થાય ત્યારે સમય ગુમાવ્યા વિના 1930 ડાયલ કરવું સૌથી અસરકારક પગલું છે.
આ આધુનિક વ્યવસ્થાથી ગુનેગારો પર ગાળિયો કસાયો છે અને નાગરિકોની મૂડી વધુ સુરક્ષિત બની છે. પરિણામે, લોકોમાં ડિજિટલ સુરક્ષા સાથે પોલીસ તંત્ર પ્રત્યેનો વિશ્વાસ પણ વધુ દ્રઢ બન્યો છે.
