રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો નર્મદા પ્રવાસ

નવા ભીલવશી ગામે ગ્રામજનો સાથે રાત્રિસભા

રાજ્યપાલે ગ્રામજનો સાથે સાધ્યો આત્મીય સંવાદ

વ્યસન છોડી સાત્વિક આહાર અપનાવવા કરી અપીલ

આદિવાસી પરિવારના આતિથ્યથી અભિભૂત થયા રાજ્યપાલ

નર્મદા જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગરૂડેશ્વર તાલુકાના ભીલવશી ગામે વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની ગ્રામજનો સાથે પ્રેરણાદાયી સંવાદ કર્યો હતો.

નર્મદા જિલ્લાના બે દિવસીય પ્રવાસે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગરૂડેશ્વર તાલુકાના નવા ભીલવશી ગામે ‘ગ્રામ કલ્યાણ કાર્યક્રમ’ અંતર્ગત યોજાયેલી રાત્રિસભામાં ગ્રામજનો સાથે સીધો અને આત્મીય સંવાદ સાધ્યો હતો. આ પ્રસંગે તેમણે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આદિવાસી બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે, ત્યારે ગામનું એક પણ બાળક ભણતર ન છોડે તેની ચિંતા વાલીઓએ કરવી પડશે.

તેમણે ગામને આદર્શ બનાવવા હાકલ કરવાની સાથે સ્વાસ્થ્યની જાળવણી માટે દારૂ-તમાકુ જેવા ભયંકર વ્યસનોથી દૂર રહી સાત્વિક આહાર અને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો. આ રાત્રિસભામાં કલેક્ટર ગંગા સિંઘ, DDO આર.વી.વાળા અને સરપંચ ચંપાબેન તડવી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રવાસના બીજા દિવસે રાજ્યપાલે ભીલવશી ગામના પ્રગતિશીલ ખેડૂત રાજેશભાઈ તડવીના પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લીધી હતી. અહીં તેમણે વિવિધ પાકોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી ખેડૂતોને રાસાયણિક ખેતીના નુકસાન સમજાવ્યા હતા અને શૂન્ય ખર્ચ આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી હતી. મુલાકાત દરમિયાન રાજ્યપાલે પોતે સ્વયં દેશી ગાય દોહીને ખેડૂતોને ગૌપાલનનો વિશેષ સંદેશ આપ્યો હતો. તદુપરાંત, તેમણે મોટી રાવલ ગામે આદિજાતિ પરિવારના મુકેશભાઈ તડવીના ઘરે પહોંચી પરિવારજનો સાથે આત્મીય સંવાદ સાધી સ્થાનિક પરંપરાગત નાસ્તાનો આસ્વાદ માણ્યો હતો, જેથી સ્થાનિક પરિવારમાં ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.