ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ચોમાસાના બદલાતા મિજાજ વચ્ચે દેશના 22 રાજ્યો માટે વરસાદની ગંભીર ચેતવણી જારી કરવામાં આવી છે. દેશના ઘણા હિસ્સાઓમાં, ખાસ કરીને ઉત્તર ભારતમાં ચોમાસું ફરી એકવાર જોર પકડી રહ્યું છે. છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા વરસાદ બાદ હવે આગામી 24 કલાકમાં દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીર સહિતના 22 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડવાની આશંકા છે. આ સમયગાળા દરમિયાન 75 કિમી/કલાકની ઝડપે તોફાની પવન અને વાવાઝોડું આવવાની પણ સંભાવના છે, જેને પગલે તંત્ર દ્વારા લોકોને સાવધ રહેવા માટે અપીલ કરવામાં આવી છે.
રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારો (NCR) માં છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયું વાતાવરણ અને ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 20 જુલાઈના રોજ પણ દિવસભર આકાશ વાદળોથી ઘેરાયેલું રહેશે અને સવારના સમયથી જ ઘણા વિસ્તારોમાં મધ્યમ સ્તરનો વરસાદ શરૂ થઈ શકે છે. વરસાદની સાથે 20 થી 30 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે અને વાવાઝોડું પણ આવી શકે છે. સોમવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 32-34°C અને લઘુત્તમ તાપમાન 25-27°C વચ્ચે રહેવાની ધારણા છે. જોકે, સાંજના સમયે ગરમી અને અસહ્ય ભેજવાળું વાતાવરણ પરેશાન કરી શકે છે, જેથી હવામાન વિભાગે ભેજને લઈને ખાસ યલો એલર્ટ જારી કર્યું છે.
હવામાન વિભાગે ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. IMD ના અહેવાલ મુજબ, પૂર્વ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં વ્યાપક વરસાદ થશે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે આફત તૂટી પડી શકે છે. ઉત્તર પ્રદેશમાં વરસાદનો આ સિલસિલો 22 જુલાઈ સુધી સતત યથાવત રહેશે. બીજી તરફ, પાડોશી રાજ્ય બિહારમાં પણ મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવના છે. 20 જુલાઈના રોજ બિહારના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે લોકોને સાવચેત રહેવા કહેવાયું છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં 30 થી 40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે.
આગામી 24 કલાક ભારે! દિલ્હી-યુપી સહિત 22 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ
